ઓફર અને ગિફ્ટ આપીને વેચાણ વધારી રહી છે કાર કંપનીઓ, જાણો કઈ કાર પર મળી રહ્યું છે કેટલું ડિસ્કાઉન્ટ
ઉનાળામાં ગ્રાહકો ઘરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. તેની અસર કાર બજાર પર

ઉનાળામાં ગ્રાહકો ઘરમાંથી બહાર નીકળવા તૈયાર નથી. તેની અસર કાર બજાર પર દેખાઈ રહી છે, જ્યાં શોરૂમ સુમસામ પડ્યા છે અને કંપનીઓનું વેચાણ ઘટી રહ્યું છે. તેના ઉપર ચોમાસું આવી ગયું છે ત્યારે લોકોએ કાર ખરીદવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. આ જોઈને કાર કંપનીઓ અને ડીલરો વેચાણ વધારવા માટે કમર કસી રહ્યા છે. મોડી રાત સુધી કારના શોરૂમ ખુલી રહે છે અને એફોર્ડેબલ કાર પર હેવી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
કાર ડીલરોની સંસ્થા FADA દ્વારા કરવામાં આવેલ એક સર્વે દર્શાવે છે કે, ભારે ગરમી અને લૂના કારણે શોરૂમમાં ગ્રાહકોનો પ્રવાહ 18 ટકા ઘટી ગયો છે. જોકે, હવે દેશના મોટાભાગના ભાગોમાં ગરમી સમાપ્ત થઈ ગઈ છે, પરંતુ મારુતિ સુઝુકી જેવી કંપનીઓ મોડી રાત સુધી તેમના શોરૂમ ખોલવાની તૈયારી કરી રહી છે. ચોમાસાની શરૂઆત સાથે, કાર કંપનીઓ અને ડીલરો ખરીદદારોને આકર્ષવા માટે ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને ગિફ્ટ ઓફર કરી રહ્યા છે. ચોમાસા દરમિયાન કારની ઓછી ખરીદીને કારણે કંપનીઓ સામાન્ય રીતે વેચાણ વધારવા માટે વિવિધ પ્રકારની ઓફરો આપે છે.
મારુતિ આપી રહી છે 40 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ
મારુતિ અલ્ટો K10 પર રૂ. 40,000, S-Presso અને Wagon R પર રૂ. 25,000થી રૂ. 30,000 અને સ્વિફ્ટ પર રૂ. 15,000થી રૂ. 20,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાના સિનિયર એક્ઝિક્યુટિવ (માર્કેટિંગ અને સેલ્સ) પાર્થ બેનર્જીએ કહ્યું, 'કોઈ ગ્રાહક બપોરે શોરૂમમાં આવવા માગતો નથી. વેચાણ વધારવા માટે અમે સાંજ માટે ખાસ વ્યવસ્થા કરી રહ્યા છીએ અને મોડી રાત સુધી ડીલરશિપ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે. સારા ચોમાસાને કારણે ખરીફ પાકની ઉપજ સારી રહેશે, જેના કારણે વેચાણ પણ જલ્દી વધશે.
હોન્ડાએ શરૂ કર્યું મેડિકલ મોનસૂન કેમ્પેઇન
હોન્ડાએ ‘હોન્ડા મેજિકલ મોનસૂન’ નામનું અભિયાન શરૂ કર્યું છે. આ હેઠળ, કંપની Amaze, City, Elevate અને City e:HEV સહિત તમામ કાર પર ઓફર અને ગિફ્ટ આપી રહી છે. જુલાઈમાં કારની ડિલિવરી લેનારા ગ્રાહકોને સ્વિટ્ઝર્લેન્ડની ટ્રિપ અથવા 75,000 રૂપિયા સુધીના ઈનામો જીતવાની તક મળશે. ટેસ્ટ ડ્રાઈવ લેવા પર કંપની સરપ્રાઈઝ ગિફ્ટ પણ આપી રહી છે. આ ઓફર 31મી જુલાઈ સુધી ચાલશે. હોન્ડા કાર્સ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ (માર્કેટિંગ અને સેલ્સ) કુણાલ બહલે જણાવ્યું હતું કે, “ચોમાસું તાજગીનો અહેસાસ લાવે છે અને હોન્ડાની વિશેષ ઓફરનો ઉદ્દેશ્ય તેના ગ્રાહકોને સમાન લાગણી પ્રદાન કરવાનો છે. પછી ભલે તમે તમારી જૂની કારને નવી કાર સાથે બદલવાનું વિચારી રહ્યા હોવ અથવા પહેલી વખત કાર ખરીદી રહ્યા હોવ, હોન્ડા અજોડ મૂલ્ય સાથે તમારી રાહ જોઈ રહી છે. આ મર્યાદિત સમયગાળાની ઓફર સમગ્ર દેશમાં હોન્ડા અધિકૃત ડીલરશિપ પર ઉપલબ્ધ છે.
ટાટાની કાર પર 65 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Tiago, Altroz, Nexon, Punch, Harrier, Safari તેમજ Hyundai Grand i10 Nios, Aura, Exeter અને Alcazar પર રૂ. 15,000થી રૂ. 65,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, વિશેષ ડિસ્કાઉન્ટ અનિશ્ચિત હોય શકે છે પરંતુ ડીલરો અને વાહન ઉત્પાદકો ઘણી વખત ઓછી માગના સમયગાળામાં વેચાણ વધારવા માટે વધારાના ડિસ્કાઉન્ટ આપે છે.
FADAના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ કહ્યું...
'ચોમાસામાં વધુ તહેવારો નથી હોતા અને હવામાન અંગેની અનિશ્ચિતતાને કારણે વાહનોની ખરીદીને અસર થઈ શકે છે. આ જ કારણ છે કે, વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરની સરખામણીમાં જુલાઈમાં વાહનો પર વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેથી વેચાણને અસર ન થાય. સિંઘાનિયાએ કહ્યું કે, કેટલાક મોડલ સિવાય ડીલરો પાસે મોટાભાગના મોડલનો સ્ટોક છે. હજુ પણ એસયુવીની માગ છે, તેથી તેના પર ઓછું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે પરંતુ એન્ટ્રી કેટેગરીના વાહનો અને હેચબેક પર વધુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ ડિસ્કાઉન્ટ તહેવારોની સિઝન પહેલા સુધી ચાલુ રહેશે. ન વેચાયેલા વાહનોના ઢગલા વિશે વાત કરતા સિંઘાનિયાએ જણાવ્યું હતું કે, મે મહિનામાં ડીલરો પાસે એટલા બધા વાહનો હતા કે, તેને વેચવામાં 55થી 60 દિવસનો સમય લાગ્યો હશે. આશા છે કે, સ્ટોક ઘટીને માત્ર 30 દિવસ થશે. તેમણે જથ્થાબંધ અને છૂટક વેચાણ વચ્ચે સંકલન પર ભાર મૂક્યો હતો જેથી વધારાનો સ્ટોક ડીલરોના નફાને નુકસાન ન પહોંચાડે.
મારુતિ બલેનોના મેન્યુઅલ પેટ્રોલ મોડલ પર 35,000 રૂપિયા અને ઓટોમેટિક પેટ્રોલ પર 40,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. તે મારુતિ સુઝુકી સબસ્ક્રાઇબ દ્વારા જીમની પર ઝેટા મોડલ (સબસ્ક્રિપ્શન પ્લાન વિના) પર રૂ. 1 લાખથી લઈને આલ્ફા (સબ્સ્ક્રિપ્શન સાથે) પર રૂ. 2.50 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરે છે, જે મોડલ અને ઉપલબ્ધતાના આધારે છે. તેવી જ રીતે XL6ના પેટ્રોલ મોડલ પર 20,000 રૂપિયા અને CNG મોડલ પર 15,000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. પેટ્રોલ મોડલ પર 20,000 રૂપિયા અને CNG પર 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ ઉપલબ્ધ છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આપી રહી છે કેશ ડિસ્કાઉન્ટ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેની વિવિધ કાર પર કેશ ડિસ્કાઉન્ટ અને ઓફર આપી રહી છે. XUV400 ઈલેક્ટ્રિક SUV પર 4 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેમાં 3.80 લાખ રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને એક્સેસરીઝ પર 20,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ શામેલ છે. Scorpio-N પર રૂ. 60,000થી રૂ. 1 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે. XUV700 X5 પર 1.30 લાખથી 1.50 લાખ રૂપિયા અને X7 પર 1.50 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. બોલેરો પર 69,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે.








