મુખ્ય સામગ્રી પર જાઓ
ઓટો-ટેક

એલોન મસ્કને મોટો ઝટકો: 'X' વેરિફિકેશન સિસ્ટમમાં કરવો પડશે મોટો ફેરફાર

યુરોપિયન કમિશને એલન મસ્કને મોટો ઝટકો આપ્યો છે. મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર યુરોપિયન યુનિયન દ્વારા 120 મિલિયન યુ

તસવીર: gstv

યુરોપિયન કમિશને એલન મસ્કને મોટો ઝટકો આપ્યો છે. મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર યુરોપિયન યુનિયન દ્વારા 120 મિલિયન યુરો એટલે કે અંદાજે 1277 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ પ્લેટફોર્મના વેરિફિકેશન સિસ્ટમમાં ફેરફાર કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. એલોન મસ્કની કંપની X એ યુરોપિયન કમિશનના આ આદેશનો સ્વીકાર કર્યો છે અને ટૂંક સમયમાં વેરિફિકેશન સિસ્ટમમાં ફેરફાર કરશે.

વેરિફિકેશન સિસ્ટમમાં ફેરફાર કરવા તૈયાર

X એ યુરોપિયન કમિશન સમક્ષ બ્લુ ટિક માર્કવાળી વેરિફિકેશન સિસ્ટમ માટે નવા ઉપાયો રજૂ કર્યા છે. યુરોપિયન કમિશનના પ્રવક્તા થોમસ રેગ્નિયરે આ જાણકારી આપી છે. રેગ્નિયરે જણાવ્યું કે, કમિશન સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વેરિફિકેશન મિકેનિઝમ માટે સૂચવેલા ઉપાયોનું સાવધાનીપૂર્વક મૂલ્યાંકન કરશે. જોકે, પ્રવક્તાએ X દ્વારા મોકલવામાં આવેલા આ ઉપાયો અંગે વધુ વિગતો શેર કરી નથી.

શું છે સમગ્ર મામલો?

યુરોપિયન યુનિયન કમિશને ગયા વર્ષે ડિસેમ્બરમાં X પર દંડ લગાવ્યો હતો, જેમાં ડિજિટલ સર્વિસ એક્ટ હેઠળ કન્ટેન્ટ મોડરેશન રૂલબુકમાં ખામી જોવા મળી હતી. કમિશને મસ્કના પ્લેટફોર્મ પર ઉપલબ્ધ 'પેઇડ બ્લુ ટિક વેરિફિકેશન'ને ભ્રામક માન્યું હતું અને X ને તેની સિસ્ટમમાં સુધારો કરવા જણાવ્યું હતું.

કોને મળે છે બ્લુ ટિક?

X માં અત્યારે પેઇડ યુઝર્સને (પૈસા ભરીને) બ્લુ ટિક વેરિફિકેશન માર્ક સરળતાથી મળી જાય છે. જોકે, પહેલા એવું નહોતું. અગાઉ બ્લુ ટિક વેરિફિકેશન માર્ક માત્ર સેલિબ્રિટીઝ, સરકારી સંસ્થાઓ, એજન્સીઓ અને પત્રકારોને જ આપવામાં આવતું હતું. પેઇડ સર્વિસ આવ્યા બાદ તે દરેક માટે ઉપલબ્ધ થઈ ગયું છે. 2022થી તમામ પેઇડ યુઝર્સને બ્લુ ટિક ઓફર કરવામાં આવે છે.

શું સમસ્યા સર્જાઈ?

યુરોપિયન યુનિયનના ડિજિટલ સર્વિસ એક્ટ હેઠળ સોશિયલ મીડિયા પર કરવામાં આવતી પોસ્ટના કન્ટેન્ટને મોડરેટ કરવામાં આવે છે. એવામાં X પર બ્લુ ટિક ધરાવતો યુઝર સાચો વ્યક્તિ છે કે પછી 'બોટ' (Bot) છે, તેની ઓળખ કરવી મુશ્કેલ બની જાય છે. આ કારણે પ્લેટફોર્મના પબ્લિક ડેટાનું વિશ્લેષણ કરવામાં મુશ્કેલી પડે છે. આ બાબતે યુરોપિયન યુનિયને X પર દંડ લગાવ્યો છે અને સિસ્ટમ સુધારવા કહ્યું છે.

એલોન મસ્કની કંપનીને યુરોપિયન યુનિયને 12 માર્ચ 2026 સુધીનો સમય આપ્યો હતો કે કાં તો સુધારો કરી લે અથવા દંડ ભરવા તૈયાર રહે. તેમજ 16 માર્ચ 2026 સુધી ફાયનાન્સિયલ ગેરંટી આપવાની ડેડલાઇન આપી હતી. મસ્કની કંપની પર લગાવવામાં આવેલા આ દંડ સામે અમેરિકી સરકારે નારાજગી વ્યક્ત કરી હતી અને યુરોપિયન યુનિયનના લોકો માટે વિઝા બેન કરવાની પણ ધમકી આપી હતી.

આ સમાચાર શેર કરો