આ કંપનીના સ્કૂટર ખરીદતા પહેલા ચેતજો! સર્વિસની કોઇ સુવિધા ના મળતા ગ્રાહકો પરેશાન, દર મહિને 80 હજાર ફરિયાદ
ભાવિશ અગ્રવાલની કંપની ઓલા ઇલેક્ટ્રિક આ દિવસોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. ઓગસ્ટમાં એક તરફ ઓલા ટુ વ

ભાવિશ અગ્રવાલની કંપની ઓલા ઇલેક્ટ્રિક આ દિવસોમાં ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે. ઓગસ્ટમાં એક તરફ ઓલા ટુ વ્હીલરના વેચાણમાં ઘટાડો નોંધાયો હતો, તો બીજી તરફ ઓલા સ્કૂટરમાં ખામીની ફરિયાદો પણ વધી રહી છે. ઓલા ઈલેક્ટ્રિકને દર મહિને સ્કૂટરમાં ખામીને લઈને 80 હજારથી વધુ ફરિયાદો મળી રહી છે. એટલે કે દરરોજ 2666 ફરિયાદો આવે છે. પીક ડેઝ દરમિયાન, ફરિયાદોની સંખ્યા પણ એક દિવસમાં 6000-7000 હજાર સુધી પહોંચી જાય છે. સમયસર ગ્રાહકોની સમસ્યાનું નિરાકરણ ન કરવાને કારણે કંપની ગ્રાહકોના રોષનો પણ સામનો કરી રહી છે. જ્યારે કંપનીએ ઓલા સ્કૂટર રિપેર ન કરાઇ તો કર્ણાટકના એક વ્યક્તિએ ઓલાના શોરૂમમાં આગ લગાવી દીધી. તેમજ ગુજરાતમાં એક ગ્રાહક પોતાનું સ્કૂટર શોરૂમની બહાર વાહન પર લઈને આવ્યો હતો અને માઈક પર ગીત ગાઈને લોકોને તેની વ્યથા કહી હતી.
ઓલા ઈલેક્ટ્રિકે તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 680,000 કરતાં વધુ ઈલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ કર્યું છે. કંપનીના સમગ્ર ભારતમાં 430 સેવા કેન્દ્રો કાર્યરત છે. પરંતુ, ઓલા સ્કૂટર્સમાં ઘણી બધી ખામીઓને કારણે કંપની સમયસર સ્કૂટર રિપેર કરવામાં અને ગ્રાહકોને પરત કરવામાં નિષ્ફળ રહી છે. આ કારણે કંપનીને ન માત્ર ગ્રાહકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો પરંતુ સોશિયલ મીડિયા પર પણ તે ઘણી શરમ અનુભવી રહી છે.
ઓગસ્ટમાં વેચાણ ઘટ્યું હતું
ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરના વેચાણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2024માં ઓલા ઈલેક્ટ્રીકએ વર્ષનું સૌથી ખરાબ વેચાણ નોંધાવ્યું હતું. કંપની માત્ર 27,506 યુનિટ વેચી શકી હતી. ગયા મહિને જુલાઈની તુલનામાં ઓલાના વેચાણમાં 34 ટકાનો ઘટાડો થયો હતો, આ ઘટાડા સાથે તેનો બજાર હિસ્સો પણ 39 ટકાથી ઘટીને 31 ટકા થયો હતો. તેમજ ઓલાના સ્પર્ધકો બજાજ ઓટો લિમિટેડ અને ટીવીએસ મોટર કંપની લિમિટેડ દ્વારા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું વેચાણ ઓગસ્ટમાં સ્થિર રહ્યું હતું.
ઓલા પ્લસ કેરનો કોઈ ફાયદો નથી
ગ્રાહકો ઓલા કેર પ્લસ, પેઇડ સર્વિસ ઓલાએ ક્ષતિગ્રસ્ત સ્કૂટર માટે હોમ પિક-અપ અને ડ્રોપ-ઓફ સુવિધા પૂરી પાડવા માટે ઓલા કેર પ્લસ નામની સર્વિસ શરૂ કરી છે. પરંતુ તેના સબ્સ્ક્રાઇબ કરેલા ગ્રાહકોને પણ સર્વિસ એપોઇન્ટમેન્ટ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા ગ્રાહકો 30 થી 45 દિવસ સુધી સ્કૂટર રીપેર થાય તેની રાહ જોતા હતા. લાંબી રાહ જોયા બાદ તેની ધીરજ ખૂટી ગઈ અને તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કંપનીની ટીકા કરવાનું શરૂ કરી દીધું.
કંપનીએ નવી સર્વિસ ટીમ બનાવી છે
દર મહિને લગભગ 80,000 ફરિયાદો પ્રાપ્ત થતાં કંપની હવે સક્રિય થઈ ગઈ છે. ઓલા ઈલેક્ટ્રીકે સેવા સંબંધિત સમસ્યાઓ અંગે ગ્રાહકોની વધતી જતી ફરિયાદોના નિવારણ માટે એક નવી સેવા ટીમની રચના કરી છે. આ ટીમમાં પ્રોડક્ટ અને ઓપરેશન્સ સહિત અનેક વિભાગોના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.








