ભારતમાં Appleની રેકોર્ડબ્રેક કમાણી, 2024-25માં 75,000 કરોડ રૂપિયાના સામાનનું કર્યું વેચાણ
ભારતમાં iPhonesની કિંમત ઘણી વધારે છે. ઉદાહરણ તરીકે, iPhone 16 ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે જ્યારે US માં તે 7

ભારતમાં iPhonesની કિંમત ઘણી વધારે છે. ઉદાહરણ તરીકે, iPhone 16 ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે જ્યારે US માં તે 799 ડોલર (લગભગ 70,000 રૂપિયા) છે.
ભારતમાં iPhone નિર્માતા કંપની Appleના વાર્ષિક વેચાણમાં જોરદાર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2024-25માં, Appleનું વેચાણ રેકોર્ડ 9 બિલિયન ડોલર (લગભગ 75,000 કરોડ રૂપિયા) સુધી પહોંચ્યું. આ દર્શાવે છે કે દેશમાં Appleના ડિવાઇસની માંગ વધી રહી છે.
બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, માર્ચ 2025 સુધીના 12 મહિનામાં કંપનીના વેચાણમાં લગભગ 13%નો વધારો થયો છે. આ અગાઉના નાણાકીય વર્ષ 2023-24માં 8 બિલિયન ડોલર હતું.
અહેવાલ મુજબ, iPhoneનું વેચાણ સૌથી વધુ હતું. જ્યારે MacBookની માંગમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. આ વધારો એવા સમયે થયો છે જ્યારે વૈશ્વિક સ્તરે મોબાઈલ ડિવાઇસનું વેચાણ ધીમું પડી રહ્યું છે. ભારત હાલમાં Appleના કુલ આવકનો એક નાનો ભાગ છે. પરંતુ કંપની અહીં સતત રોકાણ કરી રહી છે. તેને આશા છે કે આગામી વર્ષોમાં ભારત એક મોટું બજાર બનશે.
ચીનમાં ગ્રાહકોના ખર્ચમાં વધઘટ અને ત્યાંની ભૂ-રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતની ભૂમિકા વધી ગઈ છે. ભારતમાં, કંપનીએ આ અઠવાડિયે બેંગલુરુ અને પુણેમાં બે નવા રિટેલ સ્ટોર ખોલ્યા છે. ટૂંક સમયમાં નોઈડા અને મુંબઈમાં પણ નવા સ્ટોર ખુલવા જઈ રહ્યા છે.
Apple એ વર્ષ 2023માં પોતાના ઈન્ટરનેશનલ બિઝનેસ મેનેજમેન્ટમાં ફેરફાર કરીને ભારતને અલગ સેલ્સ રિજિયન બનાવ્યું. બજારની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું હતું. ભારતમાં iPhoneને સ્ટેટસ સિમ્બોલ માનવામાં આવે છે. હાલમાં, ભારતીય સ્માર્ટફોન બજારમાં Appleનો હિસ્સો લગભગ 7 ટકા છે.
સ્થાનિક સોર્સિંગ નિયમોને કારણે Apple લાંબા સમય સુધી ભારતમાં સ્ટોર્સ નહતું ખોલી શક્યું. પરંતુ ઓનલાઈન સ્ટોર 2020માં શરૂ થયો અને 2023માં મુંબઈ અને દિલ્હીમાં પ્રથમ બે સ્ટોર ખુલ્યા. આ પછી, કંપનીએ તેના રિટેલ નેટવર્કનો વિસ્તાર કર્યો અને પ્રીમિયમ રિસેલર્સ પણ ઉમેર્યા.
ભારતમાં iPhoneની કિંમત
ભારતમાં iPhoneની કિંમત ઘણી વધારે છે. ઉદાહરણ તરીકે, iPhone 16ની શરૂઆતની કિંમત 79,900 રૂપિયા છે જ્યારે USમાં તે 799 ડોલર (લગભગ 70,000 રૂપિયા) છે. કંપનીએ વેચાણ વધારવા માટે સ્ટુડન્ટ ડિસ્કાઉન્ટ, ટ્રેડ-ઈન ઓફર્સ અને બેંક ઓફર્સ જેવા પગલાં લીધા છે. આનાથી વેચાણમાં વધારો થયો છે.
Appleના CEO ટિમ કૂકે વારંવાર કહ્યું છે કે ભારત કંપનીના સૌથી ઝડપથી વિકસતા બજારોમાંનું એક છે. ભારત હવે Appleની ઉત્પાદન વ્યૂહરચનામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. દર પાંચમાંથી એક આઈફોન હવે ભારતમાં બને છે. Apple ભારતમાં પાંચ ફેક્ટરીઓ દ્વારા ઉત્પાદનનો વિસ્તાર કરી રહી છે. તાજેતરમાં બે નવા યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. તેનો ઉદ્દેશ્ય ચીન પર નિર્ભરતા ઘટાડવાનો છે.








