AIની રેસમાં માઇક્રોસોફ્ટની વાપસી, Gemini અને ChatGPTને જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે Copilot
AIની રેસમાં હવે માઇક્રોસોફ્ટ પોતાની જગ્યા બનાવી રહ્યું છે. ગૂગલના Gemini AI અને OpenAIના ChatGPT

AIની રેસમાં હવે માઇક્રોસોફ્ટ પોતાની જગ્યા બનાવી રહ્યું છે. ગૂગલના Gemini AI અને OpenAIના ChatGPTની સરખામણીએ માઇક્રોસોફ્ટના કોપાયલટ (Copilot) AI ચેટબોટના અસંખ્ય યુઝર્સ વધ્યા છે. છેલ્લા થોડા મહિનામાં માઇક્રોસોફ્ટ ખૂબ જ આગળ નીકળી રહ્યું છે. એનાલિટિક્સ ફર્મ કોમસ્કોર દ્વારા આ આંકડા બહાર પાડવામાં આવ્યા છે જેમાં કોના કેટલા યુઝર્સ વધ્યા છે તેની ટકાવારી આપવામાં આવી છે. આ ટકાવારીને જોઈને લાગે છે કે હવે માઇક્રોસોફ્ટ પણ AIની રેસમાં જબરદસ્ત ટક્કર આપી રહ્યું છે. અત્યાર સુધી Gemini અને ChatGPTની સાથે DeepSickની જ ચર્ચા હતી.
માર્ચથી જૂનમાં વધ્યા યુઝર્સ
હાલમાં એક આંકડા મુજબ માર્ચથી જૂનમાં માઇક્રોસોફ્ટના Copilotના યુઝર્સમાં 175 ટકાનો વધારો થયો છે. માર્ચ સુધી Copilotના 3.2 મિલિયન યુઝર્સ હતા જે હવે વધીને 8.8 મિલિયન એક્ટિવ યુઝર્સ થઈ ગયા છે. ટકાવારીમાં જોઈએ તો આ આંકડો ખૂબ જ મોટો છે. બીજી તરફ Geminiના 68 ટકા યુઝર્સ વધ્યા છે અને હવે ટોટલ યુઝર્સ 14.3 મિલિયન યુઝર્સ છે. સૌથી ઓછા યુઝર્સ ChatGPTના વધ્યા છે. એમાં ફક્ત 17.9 ટકા યુઝર્સનો વધારો થયો છે અને ટોટલ આંકડો 25.4 મિલિયન યુઝર્સ થયા છે. ટોટલ યુઝર્સની સરખામણીએ ChatGPT ખૂબ જ આગળ છે, પરંતુ જે રીતે માઇક્રોસોફ્ટ દ્વારા સ્પીડ પકડવામાં આવી છે એ મુજબ એ દિવસ દૂર નથી કે તે Geminiને ટક્કર મારીને ChatGPTની નજીક પહોંચી જાય.
Copilotના યુઝર્સ કેમ જલદી વધી રહ્યા છે?
Copilotના યુઝર્સ વધવા માટેનું સૌથી મોટું કારણ માઇક્રોસોફ્ટની ઇકોસિસ્ટમ છે. માઇક્રોસોફ્ટ દ્વારા તેને 365, વિન્ડોઝ, એજ અને અઝુરે દરેક પ્લેટફોર્મમાં સમાવેશ કર્યો છે. આથી કામ કરવા માટે દરેક એપમાં Copilot જોવા મળી રહે છે. માઇક્રોસોફ્ટનો ઉપયોગ ઘણી એન્ટરપ્રાઈઝમાં કરવામાં આવે છે. તેમની ઘણી એજન્સી અને બ્રાન્ડ સાથે પણ ડીલ છે અને એથી તેઓ Copilotનો ઉપયોગ વધુ કરે છે. Copilotમાં વોઈસ કમાન્ડ, ઓપન ટેબ્સ, પ્રોડક્ટની સરખામણી કરવી અને કોઈપણ ખરીદી કરવી હોય તો ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આથી એનો ઉપયોગ કરવો પણ સહેલો અને સરળ હોવાથી એના યુઝર્સ વધી રહ્યા છે.
મોબાઈલ vs ડેસ્કટોપ યુઝર્સ
આ ડેટા મુજબ એક બીજી વાત સામે આવી છે કે હવે યુઝર્સ ડેસ્કટોપ કરતાં વધુ મોબાઈલ પર એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. મોબાઈલ પર AI ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યામાં 5.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. હવે ટોટલ 73.4 મિલિયન મોબાઈલ એક્ટિવ યુઝર્સ છે. બીજી તરફ ડેસ્કટોપ પર AIનો ઉપયોગ કરનારા યુઝર્સમાં 11.1 ટકાનો ઘટાડો થયો છે. આ યુઝર્સની ટોટલ સંખ્યા હવે 78.4 મિલિયન યુઝર્સ છે. આ ટ્રેન્ડ પરથી ખબર પડી શકે છે કે AI હવે કેવી રીતે દરેકની લાઈફનો એક ભાગ બની રહ્યું છે. મોબાઈલ યુઝર્સની સંખ્યામાં વધારો એટલે કે યુઝર્સ હવે રોજિંદી લાઈફમાં પણ તેનો ઉપયોગ કરી રહ્યા છે. ડેસ્કટોપ પર હોય ત્યારે ઓફિસના કામ અથવા તો પ્રોફેશનલ કામ માટે હોય એ બની શકે.






