Auto: 3 મિનિટમાં 2 લાખ કાર થઈ બુક! કંપનીના CEOએ કહ્યું, હવે ગ્રાહકો અન્ય બ્રાન્ડની કાર ખરીદે
વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી રહી છે. મોટાભા

વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કારની માંગ ઝડપથી વધી રહી છે. મોટાભાગના લોકો હવે પરંપરાગત ઇંધણ (પેટ્રોલ-ડીઝલ) પરની નિર્ભરતા ઘટાડવા માટે EVને પ્રાધાન્ય આપી રહ્યા છે. ઇલેક્ટ્રિક કાર બજારમાં ટેસ્લા અને BYDનો ડંકો વિશ્વભરમાં ગાજી રહ્યો છે. પરંતુ ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની Xiaomiની એક કારે અલગ જ તહેલકો મચાવી દીધો છે. 26 જૂનના રોજ, લોન્ચના દિવસે, Xiaomi YU7એ પ્રથમ 3 મિનિટમાં જ 2 લાખથી વધુ યુનિટનું બુકિંગ નોંધાવ્યું અને એક કલાકની અંદર આ આંકડો 2.89 લાખ યુનિટ સુધી પહોંચી ગયો. Xiaomi YU7ની જબરદસ્ત માંગે ન માત્ર અન્ય પ્રતિસ્પર્ધીઓની ઊંઘ ઉડાડી દીધી છે, પરંતુ Xiaomiના CEO પણ હવે બ્રાન્ડ પરનું દબાણ ઘટાડવા માંગે છે.
એક અહેવાલ મુજબ, Xiaomiના સ્થાપક લેઈ જૂન (Lei Jun)એ ભવિષ્યમાં YU7 ખરીદનારાઓને કહ્યું છે કે તેઓ અન્ય બ્રાન્ડની કાર ખરીદવાનું વિચારે. ઓટોમોબાઈલની દુનિયામાં આ પ્રથમ વખત છે કે કોઈ કાર ઉત્પાદક કંપનીના CEOએ ગ્રાહકોને અન્ય બ્રાન્ડની કાર ખરીદવાની અપીલ કરી હોય. વેચાણની વાત કરીએ તો, ગયા જુલાઈમાં કંપનીએ Xiaomi YU7ના કુલ 6,024 યુનિટની ડિલિવરી કરી હતી. આ ઇલેક્ટ્રિક SUVનો વેઈટિંગ પીરિયડ 1 વર્ષથી પણ વધુ થઈ ગયો છે. ચાઈના ઓટોમોટિવ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના આંકડા મુજબ, ટેસ્લાએ ચીનમાં છેલ્લા 6 મહિનામાં કુલ 2,65,400 કારનું વેચાણ કર્યું છે. જ્યારે YU7ના 18 કલાકમાં 2.40 લાખ યુનિટ બુક થયા હતા. કારની વાત કરીએ તો, YU7 ઇલેક્ટ્રિક SUVની કિંમત 253,500 યુઆન (અંદાજે 30.28 લાખ રૂપિયા) નક્કી કરવામાં આવી છે, જે ચીનમાં ટેસ્લાના Model Yની કિંમતની તુલનામાં લગભગ 4% સસ્તી છે. તેમાં ડ્યુઅલ ઝીરો ગ્રેવિટી ફ્રન્ટ સીટ્સ આપવામાં આવી છે, જે મસાજ ફંક્શન સાથે આવે છે. આ ઉપરાંત, પાવર-એડજસ્ટેબલ રીઅર સીટ્સ પાછળ બેઠેલા મુસાફરોને આરામદાયક સવારી આપે છે.
આ SUVને YU7, YU7 Pro અને YU7 Max નામના ત્રણ વેરિયન્ટમાં રજૂ કરવામાં આવી છે, જે અલગ-અલગ બેટરી પેક સાથે વિવિધ ડ્રાઇવિંગ રેન્જ આપે છે. YU7 સિંગલ ચાર્જમાં 835 કિમી, YU7 Pro સિંગલ ચાર્જમાં 770 કિમી અને YU7 Max સિંગલ ચાર્જમાં 760 કિમીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે.






