VIDEO: 'અમે CECને ખુરશી પર બેસવા નહીં દઈએ!' INDIA ગઠબંધને ફૂંક્યું દેશવ્યાપી આંદોલનનું બિગુલ
ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્

ચૂંટણી પંચ અને વિપક્ષ વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC)ના જનરલ સેક્રેટરી કે. સી. વેણુગોપાલે ચૂંટણી પંચ પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કરતાં તેને 'ચીટિંગ કમિશન ઓફ ઈન્ડિયા' ગણાવ્યું છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે ચીફ ઈલેક્શન કમિશનર (CEC) સામે સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને જનઆંદોલન શરૂ કરવામાં આવશે.
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને વિપક્ષી મોરચા 'INDIA' ગઠબંધનની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં કે. સી. વેણુગોપાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "આખો દેશ ઈચ્છે છે કે મુખ્ય ચૂંટણી કમિશનર પોતાના પદ પરથી હટી જાય, છતાં તેઓ પોતાની ખુરશી છોડવા તૈયાર નથી. તેઓ હજુ પણ તે ખુરશી પર બેસી રહ્યા છે, પરંતુ હવે અમે તેમને તે ખુરશી પર બેસવા નહીં દઈએ."
તેમણે આગળ ઉમેર્યું કે ગઠબંધનની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મુદ્દે સમગ્ર દેશમાં એક વિશાળ અભિયાન અને ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે. વિપક્ષનો આરોપ છે કે ચૂંટણી પંચ સ્વતંત્ર અને નિષ્પક્ષ બંધારણીય સંસ્થા તરીકે કામ કરવાને બદલે સત્તાધારી પક્ષના ઈશારે કામ કરી રહ્યું છે અને મતદારયાદીમાં ગેરરીતિઓ આચરી રહ્યું છે.
વિપક્ષ દ્વારા ચૂંટણી પંચના મુખ્યાલયનો ઘેરાવ, જિલ્લા સ્તરે વિરોધ પ્રદર્શનો અને સંસદમાં પણ આ મુદ્દે મોટો મોરચો ખોલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કે. સી. વેણુગોપાલના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.






