ભારતીય ટીમ સામે રમવા અંગે જાપાનના કેપ્ટને આપ્યું નિવેદન, કહ્યું- 'અમે ફક્ત આ પ્રસંગની ઉજવણી...'

ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બર, મંગળવારના રોજ એક ઐતિહાસિક એકમાત્ર T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આ મેચ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણીની શરૂઆત કરશે. જાપાનના કેપ્ટન કેન્ડલ કાડોવાકી-ફ્લેમિંગે આ મેચ વિશે વાત કરતા કહ્યું કે તેની ટીમ ફક્ત આ પ્રસંગની ઉજવણી કરવા માટે નહીં રમે, પરંતુ તેઓ શું કરી શકે છે તે દર્શાવવા માટે મેદાનમાં ઉતરશે.
સમાચાર એજન્સી PTI સાથે વાત કરતા, કાડોવાકી-ફ્લેમિંગે કહ્યું, "તે ખૂબ જ રોમાંચક છે અને મને લાગે છે કે અફઘાનિસ્તાન અને નેપાળ જેવા દેશો જાપાનમાં આવે છે તે અહીં ક્રિકેટ માટે એક મોટો વિકાસ છે. થોડા વર્ષો પહેલા, અમે કદાચ વિચાર્યું ન હોત કે આવું કંઈક આયોજન શક્ય બનશે."
ટીમ ફક્ત આ પ્રસંગની ઉજવણી કરવા માટે નહીં રમે
જાપાનના કેપ્ટને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની ટીમ ફક્ત આ મેચની ઉજવણી કરવા માટે નહીં, પરંતુ તેઓ શું કરી શકે છે તે બતાવવા માટે રમશે. કાડોવાકી-ફ્લેમિંગે કહ્યું, "ભારત સામે રમવું ગમે તેટલું રોમાંચક હોય, પણ અમે ફક્ત આ પ્રસંગની ઉજવણી કરવા માટે નથી રમી રહ્યા. અમે પુરુષોની ટીમ તરીકે શું કરી શકીએ છીએ તે બતાવવા જઈ રહ્યા છીએ. સ્વાભાવિક છે કે, ભારત જેવી ટીમમાં દરેક વિભાગમાં ઉત્તમ ખેલાડીઓ છે - ફાસ્ટ બોલિંગ, બેટિંગ અને સ્પિન. તેથી, વિશ્વ કક્ષાના ખેલાડીઓ અને તે ફોર્મેટમાં વિશ્વની શ્રેષ્ઠ ટીમ જોવી અમારા માટે એક શાનદાર અનુભવ હશે."
જાપાનના કેપ્ટને વધુમાં ઉમેર્યું, "આશા છે કે, પૂર્ણ સભ્ય દેશો સામે રમવા અને સ્પર્ધા કરવાના લાંબા ઈતિહાસ તરફ આ પ્રથમ પગલું હશે."
T20 મેચ માટે જાપાનની ટીમ
કેન્ડેલ કડોવાકી-ફ્લેમિંગ (કેપ્ટન), ચાર્લી હિન્ઝ, બેન્જામિન ઇટો-ડેવિસ, કોહેઈ કુબોટા, વતરુ મિયાઉચી, રેઓ સાકુરાનો-થોમસ, એલેક્સ શિરાઈ-પાટમોર, શોમા સુગયા-સ્લેટર, ડેકલાન સુઝુકી, ઈબ્રાહિમ તાકાહાશી, મકોતો તાનિયામા, લચલાન યામામોટો, એલેસ્ટર કડોવાકી-ફ્લેમિંગ, જેક કુસુદા-નાયરન અને ત્સુયોશી તકાદા.

