'અમેરિકન સપના' પાછળનું કડવું સત્ય: કરોડોની કમાણી છતાં ભારતીય એન્જિનિયરને કેમ યાદ આવ્યું ભારત?

અમેરિકામાં બેસ્ટ કરિયર અને સારી કમાણીની આશા લઈને ગયેલા એક 35 વર્ષીય ભારતીય એન્જિનિયરે સોશિયલ મીડિયા પર પોતાના જીવનને લઈને એક સવાલ ઊભો કરી દીધો છે. આશરે 12 વર્ષ પહેલાં અમેરિકા શિફ્ટ થયેલા આ વ્યક્તિનું કહેવું છે કે હવે ત્યાં રહીને તે ખૂબ જ એકલતા અનુભવે છે. સારી નોકરી અને 3.6 લાખ ડોલરથી વધુની બચત હોવા છતાં તેને લાગે છે કે અમેરિકામાં તેનું જીવન એટલું સારૂ નથી, જેટલું તેણે ક્યારેય વિચાર્યું હતું.
એન્જિનિયરે જણાવ્યું કે તે અમેરિકાના એક મોંઘા શહેરમાં રહે છે, જ્યાં એક બેડરૂમના નાના એવા એપાર્ટમેન્ટનું ભાડું જ આશરે 4,000 ડોલર એટલે કે લાખો રૂપિયા મહિને છે. તેના જણાવ્યા મુજબ, આટલી મોટી કિંમત ચૂકવ્યા પછી પણ રહેવાની જગ્યા એટલી સારી નથી. તેણે ભારતમાં સ્થિત પોતાના ફેમિલી હોમ સાથે સરખામણી કરતા કહ્યું કે મુંબઈમાં તેનું ઘર વધુ મોટું અને સારી રીતે બનેલું છે.
એન્જિનિયર સામે ઊભો થયો મોટો સવાલ
તેણે સોશિયલ મીડિયા પર પોતાની સ્થિતિ જણાવતા લખ્યું કે અમેરિકા આવતી વખતે તેના મનમાં મોટા સપના હતા. છેલ્લા 12 વર્ષથી તેની એન્જિનિયરિંગની નોકરી પણ સ્થિર છે. આર્થિક રીતે પણ તે પોતાને સુરક્ષિત સ્થિતિમાં માને છે, પરંતુ આમ છતાં તેને ત્યાંની લાઇફસ્ટાઇલમાં એ સંતોષ નથી મળી રહ્યો, જેની તેણે આશા રાખી હતી. બીજી તરફ, ભારત પાછા ફરવા પર તેની પાસે પરિવારનો બિઝનેસ સંભાળવાનો વિકલ્પ છે. તેના પિતા ભારતમાં એક નાની કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે, જેને તે આગળ સંભાળી શકે છે. એન્જિનિયરના જણાવ્યા અનુસાર, આ બિઝનેસ વાર્ષિક આશરે 1 કરોડ રૂપિયા કમાય છે. એવામાં જો તે ભારત પાછો ફરે છે અને પિતાનો બિઝનેસ સંભાળે છે, તો તેની પાસે આરામથી જીવન વિતાવવાનો રસ્તો હોઈ શકે છે.
છતાં પણ અમેરિકા છોડવાનો નિર્ણય તેના માટે સરળ નથી. તેનું સૌથી મોટું કારણ ભવિષ્યમાં તેનાં બાળકો થવાની યોજના છે. તેનું કહેવું છે કે તે પોતાના બાળકોને ઇમિગ્રેશન સંબંધિત એ પરેશાનીઓમાંથી પસાર થવા દેવા નથી માગતો, જેનો સામનો તેને ખુદ કરવો પડ્યો. આ જ કારણે તે નક્કી નથી કરી શકતો કે અમેરિકામાં રહીને કરિયરને આગળ વધારે કે ભારત પાછા ફરીને પરિવારના બિઝનેસને સંભાળી લે.
તેણે ઇન્ટરનેટ યુઝર્સ પાસે પણ સલાહ માગી અને પૂછ્યું કે શું કોઈએ અમેરિકામાં લાંબા સમય સુધી રહ્યા પછી ભારત પાછા ફરીને પરિવારનો બિઝનેસ સંભાળ્યો છે. પોસ્ટ સામે આવ્યા પછી લોકોના અભિપ્રાય પણ વહેંચાયેલા જોવા મળ્યા. કેટલાક લોકોએ તેને વહેલામાં વહેલી તકે ભારત પાછા ફરવા અને પિતાનો બિઝનેસ સંભાળવાની સલાહ આપી. તો વળી કેટલાક યુઝર્સનું કહેવું હતું કે તેણે તાત્કાલિક કોઈ મોટો નિર્ણય ન લેવો જોઈએ અને પહેલાં થોડો સમય ભારતમાં રહીને ત્યાંના જીવનને નજીકથી સમજવું જોઈએ.
એક યુઝરે કહ્યું કે જો અત્યારથી જ તેના મનમાં પાછા ફરવાનો વિચાર સતત ચાલી રહ્યો છે, તો આવનારા સમયમાં આ મૂંઝવણ વધુ વધી શકે છે. જ્યારે એક અન્ય વ્યક્તિએ જણાવ્યું કે તે ખુદ અમેરિકામાં ત્રણ વર્ષ રહ્યા પછી જ ભારત પાછો ફરી ગયો હતો, કારણ કે તેને ત્યાંના જીવનથી ઝડપથી કંટાળો અનુભવાવા લાગ્યો હતો.

