મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વિસનગર માર્કેટયાર્ડ દિવાળીની રજાઓ બાદ પુન: ધમધમી ઉઠ્યું, વેપારીઓએ શરૂ કરી હરાજી

મહેસાણા જિલ્લાનાં વિસનગર માર્કેટ યાર્ડમાં દિવાળી બાદ આજથી ખરીદ વેચાણનો ધમધમાટ શરૂ થયો છે. ૧

મહેસાણા જિલ્લાનાં વિસનગર માર્કેટ યાર્ડમાં દિવાળી બાદ આજથી ખરીદ વેચાણનો ધમધમાટ શરૂ થયો છે. ૧૦ દિવસના દિવાળી વેકેશન બાદ ફરી હરાજીનો પ્રારંભ થતા ખેડૂતોએ વિસનગર માર્કેટયાર્ડમાં પોતાનું અનાજ અને રોકડિયા પાકો લાવીને કામકાજ શરૂ કર્યું હતું. 

દિવાળીના તહેવાર નિમિત્તે જાહેર કરાયેલા દસ દિવસના મીની વેકેશન બાદ આજે વિસનગર માર્કેટ યાર્ડ (APMC) ફરી એકવાર ખેડૂતો અને વેપારીઓથી ધમધમી ઉઠ્યું છે. દિવાળી પર્વના વિરામ બાદ આજે સવારથી જ વેપારીઓએ ઉત્સાહભેર પોતાના ધંધા-રોજગારનો શુભારંભ કર્યો હતો.

પૂજા વિધિ બાદ શુભારંભ

વેકેશન પૂર્ણ થતાં માર્કેટ યાર્ડના સંચાલકો અને વેપારીઓએ સવારે શુભ મુહૂર્તમાં પૂજા-વિધિ કરી હતી અને ત્યારબાદ ફરીથી કામકાજ શરૂ કર્યું હતું. વેપારીઓ અને ખેડૂતોમાં ફરી કામકાજ શરૂ થવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં માર્કેટ યાર્ડમાં મુખ્યત્વે કપાસ અને એરંડાની આવક નોંધાઈ રહી છે. ખેડૂતો પોતાનો તૈયાર માલ લઈને યાર્ડમાં પહોંચી રહ્યા છે.

જોકે, હાલમાં રાજ્યભરમાં વરસાદી માહોલ હોવાથી યાર્ડ દ્વારા ખેડૂતો અને વેપારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. માલને સુરક્ષિત રાખવા અને હવામાનની આગાહીને ધ્યાનમાં રાખીને જરૂરી તકેદારી રાખવા જણાવાયું છે. વરસાદને કારણે પાકને નુકસાન ન થાય તે માટે યાર્ડ સત્તાધીશો દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જ્યારે નવા કપાસની આવકને લઈ આજથી શુભમુહૂર્તમાં ખેડૂતો અને વેપારીઓએ વિસનગર APMC માં કામકાજની શરૂઆત કરી હતી. 

આ સમાચાર શેર કરો