VIDEO: વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી, કાલાઘોડા બ્રિજ કરાયો બંધ
સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજા વડોદરામાં ધમાકેદાર બેટિંગ કરી હતી. 14 ઈંચ વરસાદ ખાબ

સૌરાષ્ટ્રમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજા વડોદરામાં ધમાકેદાર બેટિંગ કરી હતી. 14 ઈંચ વરસાદ ખાબકતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે. વિશ્વામિત્રીની સપાટી 29 ફૂટ વહી રહી હોય કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ટ્રાફિક સહિતના પોલીસ જવાનોને બ્રિજ પર તહેનાત કરી દેવાયા છે. બીજી તરફ કાલાઘોડા બ્રિજ પર બંધ કરવામાં આવ્યોછે.
વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવા સરોવરના પાણીને કારણે સપાટી વધતી હોય છે અને શહેરમાં તેના પાણી પ્રવેશતા હોય છે. જેને કારણે ગઈકાલે રાતથી કોર્પોરેશન દ્વારા નિચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને સ્થળાંતર કરવા લાઉડ સ્પીકરથી અપીલ કરવામાં આવી હતી.
વડોદરા શહેર પોલીસ દ્વારા કાલાઘોડા બ્રિજના બંને બાજુએ બેરીકેટ મૂકીને અવરજવર બંધ કરી દેવામાં આવી હતી. હજી એકાદ બે ફૂટ સપાટી વધતા બાકીના વિસ્તારોના વિશ્વામિત્ર બ્રિજ પણ બંધ કરવામાં આવશે. જેથી વડોદરામાં વિશ્વામિત્રીનો પૂર્વ અને પશ્ચિમ ભાગ અલગ પડી જશે.
ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ
વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ. વરસાદી પાણીમાં વાહનો ફસાઈ જવાના કારણે લોકો વાહનો ત્યાં છોડીને પોતાના ઘરે ચાલતા રવાના થયા હતા. હજુ પણ કેટલાક નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી. ગઈકાલે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ફસાઈ ગયેલા 500 ઉપરાંતના લોકોનું રેસ્ક્યુ કરીને તેમને સહીસલામત સ્થળ પર મોકલી આપવામાં આવ્યા હતા.
કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે વડોદરા શહેર અને ટ્રાફિક પોલીસ પોલીસ દ્વારા વિશ્વામિત્રીના તમામ બ્રિજ ઉપર ટ્રાફિકના જવાનો તથા સ્થાનિક પોલીસના માણસોને તહેનાત કરી દેવામાં આવ્યા છે. બ્રિજ પરનો રસ્તો પણ અધિકારીઓની સૂચના મુજબ બંધ કરવામાં આવશે તેમ પણ સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.








