VIDEO: મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના જિલ્લા અને શહેરી પ્રમુખોનો ક્લાસ લીધો
ગુજરાતના રાજકોટ અને જૂનાગઢ ખાતે યોજાયેલા કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્ર
ગુજરાતના રાજકોટ અને જૂનાગઢ ખાતે યોજાયેલા કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના જિલ્લા અને શહેરી પ્રમુખોનો ક્લાસ લીધો. નવી નિમણૂંકો બાદ 41માંથી 19 પ્રમુખોની નબળી કામગીરીથી કેન્દ્રીય નેતૃત્વ નારાજ છે. ખડગેએ સ્પષ્ટ શબ્દોમાં નેતાઓને 90 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે કે, “હવે હોદ્દા લઈને ઘરે બેસવું નહીં ચાલે, નહીં તો દૂર કરવામાં આવશે.ખડગેએ કહ્યું કે કે જેને કામ નથી કરવું તેને દૂર કરો..તેમણે કેરીનું ઉદાહરણ આપતા જણાવ્યું કે એક ખરાબ કેરી બધી કેરીઓને ખરાબ કરે છે.
પ્રતાપ દૂધાતની ગેરહાજરી
આ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની ગેરહાજરી જોવા મળી હતી. સતત બીજી શિબિરમાં તેમની ગેરહાજરીને કારણે હાઇકમાન્ડમાં નારાજગી જોવા મળી રહી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કે. સી. વેણુગોપાલે પણ આ અંગે ટિપ્પણી કરતાં કહ્યું કે જે લોકો કામ કરશે તેમને પ્રોત્સાહન મળશે, અને જે લોકો કામ નહીં કરે તેમની પાસેથી હોદ્દો પાછો ખેંચી લેવામાં આવશે.
કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરોનું આયોજન
તમને જણાવી દઈએ કે, કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાન હેઠળ જૂનાગઢમાં આજ(10 સપ્ટેમ્બર)થી 19 સપ્ટેમ્બર સુધી 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે. આ વર્ષે ગુજરાતમાં આયોજિત થનારું પાર્ટીનું આ બીજું પ્રશિક્ષણ શિબિર છે. જેમાં પહેલું પ્રશિક્ષણ શિબિર ગત જુલાઈ મહિનામાં આણંદમાં આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધીએ જિલ્લાના નવનિયુક્ત અધ્યક્ષોને સંબોધિત કર્યા હતા અને સહકારી ડેરી સંઘના સદસ્યો સાથે વાતચીત કરી હતી. આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના 'મિશન 2027' માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે તાજેતરમાં 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી છે.






