VIDEO: દહેજમાં કરોડોની ચોરીનો પર્દાફાશ! 3.16 કરોડના કિંમતી સ્પેરપાર્ટ્સ સાથે 'સિક્લીગર ગેંગ'ના 6 સાગરિતો જેલભેગા
VIDEO: ભરૂચ જિલ્લાના દહેજ ઔદ

VIDEO: ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ‘ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ’ કંપનીના વેરહાઉસમાંથી થયેલી 3.16 કરોડની મસમોટી ચોરીનો ભેદ ઉકેલવામાં દહેજ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી આ હાઈ-પ્રોફાઈલ ચોરી કરનાર ગેંગના 6 સાગરીતોને મુદ્દામાલ સાથે દબોચી લીધા છે.
ચોરીનો ઘટનાક્રમ
કંપનીએ અટાલી ગામની સીમમાં ‘વી-લોજિસ્ટિક’ નામનું વેરહાઉસ ભાડે રાખ્યું હતું, જેમાં પ્લાન્ટના બાંધકામ માટેના કિંમતી સ્પેરપાર્ટ્સ રાખવામાં આવ્યા હતા. તસ્કરોએ વેરહાઉસનો પાછળનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને અંદાજે 15 લાખની કિંમતનું એક એવા 21 મિકેનિકલ સીલ, ઇન્ડસ્ટ્રીયલ વાલ્વ, ગાસકેટ, અને નોઝલ સહિત કુલ રૂપિયા 3,16,83,000 ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
પોલીસનું ઓપરેશન અને ધરપકડ
દહેજ પોલીસ મથકના પી.આઈ. એચ.બી. ઝાલાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે વાદળી રંગની બ્રેઝા ગાડીમાં આરોપીઓ મુદ્દામાલ સાથે રહીયાદ ચોકડી તરફ આવી રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી ગાડીને કોર્ડન કરી હતી, જેમાંથી 4 આરોપીઓ અને ચોરીના મિકેનિકલ સીલ મળી આવ્યા હતા.
આરોપીઓની કડક પૂછપરછમાં અન્ય 2 સાગરિતોના નામ ખુલ્યા હતા જેઓ રહીયાદ ચોકડી પાસેની એક પતરાની દુકાનમાં બાકીનો મુદ્દામાલ છુપાવીને બેઠા હતા. પોલીસે ત્યાં દરોડો પાડી તમામ 6 આરોપીઓને ઝડપી લીધા હતા.
વધુ ચોરીના ગુનાઓ કબૂલ્યા
ધરપકડ કરાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓએ અગાઉ ‘માધવ ઇન્ડસ્ટ્રીઝ’માં પણ 2 લાખની ચોરી કરી હતી. આ ઉપરાંત, એક બાઈકની ચોરીનો ગુનો પણ ઉકેલાયો છે. પોલીસે સિક્લીગર ગેંગના આ સાગરીતો પાસેથી 3 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં આધુનિક ટેક્નોલૉજી અને સર્વેલન્સની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી છે.







