મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ Ankleshwar માં કૂતરા પાછળ પડતા યુવતી એક્ટિવા સાથે વીજપોલ સાથે અથડાઈ, CCTV આવ્યા સામે

અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.

તસવીર: gstv

અંકલેશ્વર શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના સુરતી ભાગોળ વિસ્તારમાં શ્વાનોના ડરને કારણે એક યુવતીને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણ ધ્રૂજી ઉઠશે.

શ્વાનથી બચવા એક્સિલેટર વધાર્યું અને સર્જાયો અકસ્માત

ઘટનાની વિગત મુજબ, એક યુવતી પોતાની મોપેડ લઈને સુરતી ભાગોળથી ગોયા બજાર તરફ જઈ રહી હતી. આ દરમિયાન રખડતા શ્વાનોનું એક ટોળું અચાનક તેની પાછળ પડ્યું હતું. પાછળ દોડતા શ્વાનોથી બચવા માટે યુવતી અત્યંત ગભરાઈ ગઈ હતી અને પોતાનો જીવ બચાવવા તેણે એક્ટિવાનું એક્સિલેટર ફૂલ આપી દીધું હતું.

ઝડપ વધી જતાં યુવતીએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને તેનું એક્ટિવા રસ્તાની બાજુમાં આવેલા લોખંડના વીજપોલ સાથે ધડાકાભેર અથડાયું હતું.

CCTVમાં કેદ થઈ ઘટના

આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતી વીજપોલ સાથે ભટકાયા બાદ નીચે પટકાઈ હતી, જેમાં તેને શરીરે નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે શ્વાનો પાછળ પડ્યા અને યુવતી અકસ્માતનો શિકાર બની.

આ સમાચાર શેર કરો