મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ઈરાનને હથિયારો પહોંચાડનારા પર અમેરિકાનો પ્રહાર, પાકિસ્તાન-હોંગકોંગ સામે મોટી કાર્યવાહી

અમેરિકાએ ઈરાનની સૈન્ય સપ્લાય ચેઈન (Military Supply Chain) સામે મોટી કાર્યવાહી ક

તસવીર: gstv

અમેરિકાએ ઈરાનની સૈન્ય સપ્લાય ચેઈન (Military Supply Chain) સામે મોટી કાર્યવાહી કરતાં ઈરાન, પાકિસ્તાન અને હોંગકોંગ સાથે જોડાયેલા 10 વ્યક્તિઓ અને કંપનીઓ પર પ્રતિબંધ (Sanctions) લગાવ્યા છે. અમેરિકન ટ્રેઝરી વિભાગની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઈરાનની હથિયારોની ખરીદી, સૈન્ય ક્ષમતા અને રક્ષણ ક્ષેત્રને મળતા આર્થિક સહયોગને રોકવાનો છે. આ કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે ઈરાનની કરન્સી રિયાલ પણ ભારે દબાણ હેઠળ છે.

ઈરાનની સૈન્ય સપ્લાય ચેઈન નિશાન પર

અમેરિકન વહીવટી તંત્રે ઈરાનની સૈન્ય વ્યવસ્થાને આર્થિક અને સામગ્રી સહાય પૂરી પાડતી વ્યક્તિઓ તથા સંસ્થાઓને નિશાન બનાવી છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધો ઈરાનની હથિયાર ખરીદી અને સૈન્ય સાધનોની સપ્લાય વ્યવસ્થાને અસર કરવા માટે લગાવવામાં આવ્યા છે. આ પગલું તેહરાન પર આર્થિક દબાણ વધારવાની અમેરિકાની વ્યાપક નીતિનો એક ભાગ છે.

'ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ કાર્યવાહી

આ કાર્યવાહી ટ્રેઝરી વિભાગના 'ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ કરવામાં આવી છે. આ અભિયાનનો હેતુ ઈરાની સરકાર અને તેની સાથે જોડાયેલા નેટવર્ક સુધી પહોંચતા નાણાકીય પ્રવાહ (Financial Flow)ને રોકવાનો છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું છે કે ઈરાની શાસનને મદદ કરનાર નેટવર્કની ઓળખ કરી તેમને અલગ પાડવાની કાર્યવાહી ચાલુ રહેશે.

રિયાલ રેકૉર્ડ નીચલા સ્તરે પહોંચ્યો

અમેરિકાના નવા પ્રતિબંધોની વચ્ચે ઈરાનની કરન્સી રિયાલ પર પણ ભારે દબાણ જોવા મળી રહ્યું છે. તેહરાનના બજારમાં એક અમેરિકન ડૉલર સામે 25 લાખથી વધુ રિયાલનો ભાવ નોંધાયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ સાથે ઈરાની રિયાલ નવા રેકૉર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી આર્થિક અને ભૂરાજકીય (Geopolitical) દબાણને કારણે રિયાલ સતત નબળો પડી રહ્યો છે.

ઈરાનની અર્થવ્યવસ્થા પર વધતું દબાણ

ઈરાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. હવે અમેરિકાની નવી કાર્યવાહીથી આ દબાણ વધુ વધવાની શક્યતા છે. તેલ, હથિયારો અને નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા પ્રતિબંધો ઈરાન માટે આર્થિક પડકારો વધારી રહ્યા છે. યુદ્ધ અને વધતા પ્રતિબંધોની વચ્ચે તેહરાન માટે વિદેશી ચલણ અને આંતરરાષ્ટ્રીય વેપાર જાળવી રાખવો વધુ મુશ્કેલ બન્યો છે.

આ સમાચાર શેર કરો