VIDEO: અમદાવાદઃ ઉત્તરાયણ પર્વે સ્વામીબાપા સ્મૃતિમંદિરમાં 7 ફૂટ મોટા પતંગોથી અનોખો શણગાર
ઉત્તરાયણ પર્વે લોકોનો ઉત્સાહ અનેરો હોય છે. વહેલી સવારથી જ બાળકો ધાબા ઉપર આનંદ કિલ્લોલ કર
ઉત્તરાયણ પર્વે લોકોનો ઉત્સાહ અનેરો હોય છે. વહેલી સવારથી જ બાળકો ધાબા ઉપર આનંદ કિલ્લોલ કરી રહ્યા છે ત્યારે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળના યુવકો દ્વારા ઘોડાસર સ્થિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરે ઘનશ્યામ મહારાજ સહિત ગુરુ પંરપરાને પતંગના વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી ધનુર્માસ પૂર્ણાહુતિ તેમજ મકર સંક્રાંતિ- ઉત્તરાયણ પર્વે સંતો ભક્તોએ સાથે મળીને ભગવાનને રાજી કરવા માટે વહેલી સવારે મંગળા આરતીમાં દર્શન ધૂન્યનો લાભ લીધો હતો. ઉત્તરાયણના પાવન પર્વે મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિરમાં બે ઈંચના પતંગથી લઈને સાત ફૂટના મોટા પતંગો થકી મંદિરનું સિંહાસન સજાવવામાં આવ્યું હતું. આ સાથે 5 ફૂટની મોટી ફિરકી તૈયાર કરીને ભગવાન પાસે મુકવામાં આવી હતી.
ઉત્તરાયણના પાવન પર્વે નાના મોટા બાળકો સહિત સૌને એક જ ઉત્સાહ છે કે, જેમ પતંગ દોરી સાથે જોડાયેલો હોય અને સાનુકૂળ પવન હોય તો આકાશમાં ઊંચે ઊડે છે. તેમ આપણા માનવ જીવન રૂપી પતંગનો દોર ભગવાનના હાથમાં આપીએ તો ભવસાગરને ખૂબજ સારી રીતે તરી જવાય. ઉત્તરાયણ એ દાન પુણ્યનું મોટું પર્વ માનવામાં આવે છે. દિલ્લી મંદિરના મહંત ધર્મનંદનસ્વામીએ ભગવાનની આરતી ઉતારી તેમજ સંતોએ આશીર્વચન આપી ભક્તોને લાભ આપ્યો હતો.
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ અંતર્ગત પતંગોત્સવ પર્વે મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ઘનશ્યામ મહારાજ સમક્ષ પતંગો ઉપર શિક્ષાપત્રીના 212 શ્લોક લખીને ભગવાનના સિંહાસનને સજાવવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી મંદિરમાં દર્શનાર્થીઓનો મહેરામણ જામ્યો હતો. ભગવાનને તલસાંકળી, વિવિધ પ્રકારની ચિક્કી સહિતની વસ્તુઓ ધરાવવામાં આવી હતી. મંગળા આરતીમાં હાજર સૌને આ પ્રસાદ આપવામાં આવ્યો હતો.






