VIDEO: Peru માં પ્રવાસી પ્લેન ક્રેશ: જમીન પર પટકાતા જ વિમાન અગનગોળો બન્યું, પાયલટ સહિત તમામ 13 લોકોના મોત
પેરુ: પેરુના નાઝકા શહેર નજીક શનિવારે એક મોટી વિમાન દ

પેરુ: પેરુના નાઝકા શહેર નજીક શનિવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. પ્રવાસીઓને વિશ્વ પ્રસિદ્ધ નાઝકા લાઈન્સ (Nazca Lines) બતાવવા જઈ રહેલી એક ટૂરિસ્ટ ફ્લાઈટ ખેતરમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. આ પ્લેનમાં સવાર ક્રૂ મેમ્બર્સ સહિત તમામ 13 લોકોના મોત નીપજ્યા છે. સ્થાનિક અધિકારીઓએ આ પ્લેન દુર્ઘટનાની પુષ્ટિ કરી છે.
પ્રવાસીઓને હવાઈ સફર કરાવવા ઉપડ્યું હતું પ્લેન
નાઝકા શહેરના વહીવટીતંત્રે ફેસબુક પર આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, વિમાન પ્રવાસીઓને નાઝકા લાઈન્સની હવાઈ સફર કરાવવા માટે ઉડાન પર હતું. નાઝકા લાઈન્સ પેરુના રણપ્રદેશમાં બનેલી વિશાળ ભૌમિતિક આકૃતિઓ (Geoglyphs) છે, જેને સેંકડો વર્ષો પહેલા ત્યાંના મૂળ નિવાસીઓએ બનાવી હતી. આ વિશાળ આકૃતિઓમાં વિવિધ પ્રાણીઓના ચિત્રો જોવા મળે છે, જે સંપૂર્ણપણે માત્ર વિમાન કે ખાસ વ્યુઇંગ ટાવર પરથી જ જોઈ શકાય છે.
ઇકા શહેરથી ભરી હતી ઉડાન
અધિકારીઓના જણાવ્યા અનુસાર, દુર્ઘટનાગ્રસ્ત વિમાને નજીકના ઇકા (Ica) શહેરથી ઉડાન ભરી હતી. આ વિમાનનું સંચાલન પેરુની ખાનગી એરલાઇન એરોડિયાના (Aerodiana) કરી રહી હતી. એરલાઇનની વેબસાઇટ અનુસાર, કંપની છેલ્લા 14 વર્ષથી સેસના ગ્રાન્ડ કારવાં (Cessna Grand Caravan) વિમાન દ્વારા નાઝકા લાઈન્સ પર નયનરમ્ય હવાઈ સફરનું સંચાલન કરી રહી છે.
પ્લેનમાં 11 વિદેશી પ્રવાસીઓ સવાર હતા
પેરુના વેપાર અને પ્રવાસન મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, શનિવારે દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનમાં 11 વિદેશી પ્રવાસીઓ અને બે ક્રૂ મેમ્બર્સ સવાર હતા. સરકારી સમાચાર એજન્સી એજેન્સિયા અંડીનાના અહેવાલ મુજબ, વિમાનમાં 2 જર્મન, 2 સ્પેનિશ અને 7 ઇટાલિયન પ્રવાસીઓ હતા. પેરુના અધિકારીઓએ જણાવ્યું કે દુર્ઘટનાની તપાસ ચાલી રહી છે, જ્યારે એરોડિયાના કંપનીનો તાત્કાલિક સંપર્ક થઈ શક્યો ન હતો.
અકસ્માતનું કારણ હજુ અસ્પષ્ટ
હાલમાં દુર્ઘટનાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પેરુના અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, પ્લેન જમીન પર પટકાતાની સાથે જ તેના ટુકડા થઈ ગયા હતા અને તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલી બચાવ અને રાહત ટીમે આગ ઓલવીને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરી હતી.








