VIDEO: હાશ...શિક્ષણ મંત્રી જાગ્યા ખરા! શિક્ષણ વિભાગમાં લાલિયાવાડી મામલે આપ્યું આ મોટું નિવેદન
રાજ્યમાં કેટલીક સ્કૂલોમાં શિક્ષકોની ગેરરિતી સામે આવ્યા બાદ શિક્ષણ મંત્રી સમય પ
રાજ્યમાં કેટલીક સ્કૂલોમાં શિક્ષકોની ગેરરિતી સામે આવ્યા બાદ શિક્ષણ મંત્રી સમય પહેલા જ જાગ્યા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી બનાસકાંઠા, ખેડા સહિતના જિલ્લામાં શિક્ષકો ગેરહાજર હોવાની ઘટના સામે આવી હતી. હવે શિક્ષણ મંત્રીએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે.
શિક્ષકોને ઘર ભેગા કરાશે
રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે શિક્ષકોની ગેરરિતી મામલે મોટું નિવેદન આપ્યું છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, ગેરહાજર રહેલા શિક્ષકોને ઘરભેગા કરવામાં આવશે અને તેમની મદદ કરનાર આચાર્યને પણ સજા કરવામાં આવશે.
બનાસકાંઠા અને ખેડામાં શિક્ષક અમેરિકામાં
બનાસકાંઠાના દાંતાની પાન્છા સ્કૂલમાં શિક્ષિકા આઠ મહિનાથી વિદેશ હોવાનું જાણવા મળ્યા બાદ હવે ખેડા જિલ્લામાં પણ શિક્ષિકા એક વર્ષથી અમેરિકા હોવાનું જાણવા મળ્યું છે. નડિયાદ તાલુકાની હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા સોનલબેન પરમાર છેલ્લા એક વર્ષથી વિદેશ જતા રહ્યાં છે. 1 સપ્ટેમ્બર 2023થી સોનલબેન સ્કૂલમાં ગેરહાજર હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકા જતા પહેલા શિક્ષિકાએ શિક્ષણ વિભાગ પાસેથી NOC પણ લીધું નથી.બનાસકાંઠાના વાવ તાલુકામાં પણ ઉચપા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક બે વર્ષથી સ્કૂલમાં કોઇ પણ જાતની જાણ કર્યા વગર રફુચક્કર થઇ ગયા છે. કપડવંજમાં પણ એક સ્કૂલમાં શિક્ષકની જગ્યાએ કોઇ સ્થાનિક દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો. રાજ્યમાં જો આવી જ સ્થિતિ શિક્ષણ વિભાગમાં જોવા મળતી હોય તો પછી વિદ્યાર્થીઓ કેવી રીતે ભણતા હશે?








