Video: 'અર્નબ' વાવાઝોડાની ઘાતક અસરથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી!

ઓડિશાના ગજપતિ જિલ્લામાં પૂરનો પ્રકોપ
'અર્નબ' વાવાઝોડાની ઘાતક અસરથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી!
પૂરના પ્રકોપથી ૪૦થી વધુ મકાનો જળમગ્ન
ચક્રવાતી વાવાઝોડા અર્નબ બાદ ઓડિશાના ગજપતિ જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વાવાઝોડાને કારણે થયેલા ધોધમાર વરસાદથી ગજપતિ જિલ્લાના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેનાથી સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લાના વિશ્વનાથનગર વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા લગભગ ૪૦ જેટલા મકાનો પાણીમાં ડૂબી ગયા છે અને લોકો પોતાના જ ઘરોમાં કેદ થઈ જવા મજબૂર બન્યા છે. પાણી ભરાવાને કારણે લોકો બહાર નીકળી શકતા નથી અને તેમને ખાવા-પીવાની તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ મેળવવામાં ભારે હાલાકી પડી રહી છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના લીડિંગ ફાયર ફાઇટર કૃષ્ણચંદ્ર શતપતીએ જણાવ્યું કે વિભાગ દ્વારા વોટર પંપ લગાવીને પાણી ખાલી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અવિરતપણે પંપ ચાલુ રાખીને પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે અને અમુક વિસ્તારોમાંથી પાણી ઓછું પણ થયું છે, પરંતુ હજુ પણ અનેક ઘરો જળમગ્ન હોવાથી કામગીરીમાં સમય લાગી રહ્યો છે. આમ છતાં, પ્રશાસનની આ કામગીરી સામે સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક રહેવાસીઓ પણ જણાવ્યું કે જ્યારે પણ પૂર કે ભારે વરસાદ આવે છે ત્યારે આખી નગર પાલિકા અને પંચાયત વચ્ચે સત્તાનો ગોટાળો શરૂ થઈ જાય છે. મ્યુનિસિપાલિટી એમ કહીને પલ્લું ઝાડી દે છે કે આ વિસ્તાર તેમની હદમાં નથી આવતો અને પંચાયત પણ જવાબદારી લેવા તૈયાર નથી હોતી. રાત્રિના સમયે ઘરોમાં પાણીની સાથે સાપ અને જીવજંતુઓનો પણ ડર સતાવે છે, છતાં તંત્ર તરફથી સમયસર કોઈ મદદ મળતી નથી. આંધ્ર બેંકમાંથી નિવૃત્ત થયેલા સ્થાનિક નાગરિક બી.એસ. આચાર્યે પણ તંત્રની ઉદાસીનતા પર કટાક્ષ કરતા કહ્યું કે છેલ્લા ૧૦-૧૨ વર્ષથી આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
આ ભયાનક આપત્તિ અને તંત્રની પોકળ વ્યવસ્થાઓ વચ્ચે ગજપતિ જિલ્લાના આ પ્રભાવિત પરિવારો હવે સરકાર અને વહીવટી તંત્ર સમક્ષ કાયમી ધોરણે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. વાવાઝોડાની આ વિપરીત પરિસ્થિતિમાં માત્ર ક્ષણિક રાહત આપવાને બદલે જો નક્કર પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં મુશ્કેલીઓ વધુ વિકટ બની શકે છે.
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી















