VIDEO: દ્વારકા જિલ્લામાં 500 જેટલા ધાર્મિક સ્થાનોને તંત્રે પાઠવી નોટિસ, જાણો શું છે કારણ
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ સમગ્ર દ્વારકા જિલ્લામાં
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દિશા નિર્દેશ મુજબ સમગ્ર દ્વારકા જિલ્લામાં ધાર્મિક દબાણોને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં દ્વારકા તાલુકા 35, કલ્યાણપુર તાલુકામાં 106, ખંભાળિયા તાલુકામાં 340 અને ભાણવડ તાલુકામાં 59 દબાણોને દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. તમામ ધાર્મિક દબાણોને 15 દિવસમાં સ્વેચ્છાએ દૂર કરવા માટે તંત્રે નોટિસ પાઠવી છે. એકી સાથે આટલા બધા ધાર્મિક સ્થાનોને તંત્ર દ્વારા નોટિસ મળતા ધર્મપ્રેમી જનતામાં રોષ જોવા મળ્યો છે.
vhp દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધાર્મિક સ્થાનોને નોટિસ મુદ્દે આપ નેતા ઈશુદાન ગઢવી, કોંગ્રેસ નેતા પાલ આંબલીયા પ્રતિક્રિયા આપી સરકારને આડે હાથ લીધી હતી. બીજી તરફ ખંભાળિયા ખાતે vhp દ્વારા આ મુદે જિલ્લા કલેક્ટર સમક્ષ આવેદન આપી વિરોધ વ્યકિત કરાયો હતો.
લોકો માટે આસ્થાનું સ્થળ છે
દ્વારકામાં ધાર્મિક સ્થળોને નોટીસ આપવાના મામલે ઈસુદાન ગઢવીએ કહ્યું કે, દ્વારકા જિલ્લાના ત્રણેય તાલુકાઓમાં આઝાદી પહેલાથી સ્થાપિત જે મંદિરો છે તે મંદિરોને તોડવા માટે નોટિસો આપવામાં આવી છે. જે મંદિરોમાં આઝાદી પહેલાથી તહેવારો ઉજવાય છે અને લોકો માટે આસ્થાનું સ્થળ છે તેવા ધાર્મિક સ્થળોને સરકાર પાડવા જઈ રહી છે. જે મંદિરોને અંગ્રેજો પણ તોડી શક્યા નહોતા તેવા મંદિરોને પાડવા માટે હવે સરકાર અને તંત્રએ સુપ્રીમ કોર્ટની આડશ લઈને નોટિસ ફટકારી છે જે તદ્દન ખોટું છે.






