મુખ્ય સામગ્રી પર જાઓ
વ્યાપાર

VIDEO: 'Chaiwalas' ના ફાઉન્ડર રોહિત શર્માએ કરી આત્મહત્યા, તમામ કેફે બંધ કરી પસંદ કર્યો હતો આધ્યાત્મનો માર્ગ

Chaiwalaz Founder Rohit Found Dead: 'ચા

તસવીર: gstv

Chaiwalaz Founder Rohit Found Dead: 'ચાયવાલાઝ' સ્ટાર્ટઅપના સંસ્થાપક રોહિત શર્માએ રાજસ્થાનના દૌસા જિલ્લામાં સ્થિત પોતાના ઘરમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રોહિત શર્મા (30) શનિવારે બપોરે સાકેત કોલોની સ્થિત તેમના ઘરના એક રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેમને દરવાજો તોડીને બહાર કાઢવામાં આવ્યા અને જિલ્લા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા. કોતવાલી થાના પોલીસે જણાવ્યું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ સ્વજનોને સોંપી દેવામાં આવ્યું છે. આત્મહત્યા પાછળના કારણો હજુ સુધી જાણી શકાયા નથી અને આ મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

રોહિતનો 7 વર્ષનો એક દીકરો છે

પોલીસે જણાવ્યું કે, રોહિતના પિતા હિતેન્દ્ર મોહન શર્મા મેડિકલ સ્ટોર ચલાવે છે, જ્યારે તેમની પત્ની એક ખાનગી શાળામાં શિક્ષિકા છે. રોહિતનો સાત વર્ષનો એક દીકરો છે.

'ચાયવાલાઝ'ના કુલ 7 આઉટલેટ્સ સ્થાપિત કર્યા હતા

રોહિતે 17 વર્ષની ઉંમરે નર્સિંગના અભ્યાસ દરમિયાન જ પોતાનો બિઝનેસ શરૂ કરી દીધો હતો. બાદમાં તેમણે જયપુરમાં 'ચાયવાલાઝ' સ્ટાર્ટઅપની સ્થાપના કરી હતી. તેમણે જયપુરના માનસરોવર સ્થિત શિપ્રા પથ પર પોતાનું પહેલું 'ટી કેફે' શરૂ કર્યું હતું. ત્યારબાદ શહેરમાં વધુ એક 'આઉટલેટ' ખોલીને બિઝનેસનો વિસ્તાર કર્યો હતો. તેમણે ધીમે-ધીમે પોતાના બિઝનેસને 'ચાયવાલા' ચેઈન તરીકે આગળ વધાર્યો અને રાજ્યના અનેક શહેરોમાં 'ચાયવાલાઝ'ના કુલ 7 આઉટલેટ્સ સ્થાપિત કર્યા હતા.

6 મહિના પહેલા 'ચાયવાલાઝ'ના તમામ આઉટલેટ્સ બંધ કરી દીધા

રોહિતના બિઝનેસની સફળતા માટે તેમને ઓળખ મળી હતી, જેમાં વર્ષ 2022માં ગ્લોબલ ઈન્ડિયા બિઝનેસ ફોરમ તરફથી 'બિઝનેસ એક્સેલન્સ' માટેનો નેશનલ MSME એવોર્ડ પણ સામેલ છે. જો કે, લગભગ 6 મહિના પહેલા તેમણે 'ચાયવાલાઝ'ના તમામ આઉટલેટ્સ બંધ કરી દીધા હતા.

આધ્યાત્મિકતા તરફ ઝુકાવ

તાજેતરના દિવસોમાં રોહિતનો ઝુકાવ આધ્યાત્મિકતા તરફ ઘણો વધી ગયો હતો. તેમણે બે પુસ્તકો લખ્યાં, જેમાં 'તત્સુખે સુખિત્વમ' પણ સામેલ છે, જે એક બેસ્ટસેલર પુસ્તક બની હતી. તેમણે સંતો અને ધાર્મિક વિદ્વાનો સાથે પોડકાસ્ટ કર્યા અને તેઓ મોટાભાગે ધાર્મિક સ્થળોની મુલાકાતે જતા હતા. રોહિતે સોશિયલ મીડિયા પર 'રોહિત શિવોહમ' નામથી પોતાની આધ્યાત્મિક ઓળખ જાળવી રાખી હતી.

રાજકારણમાં રુચિ

રિપોર્ટ પ્રમાણે રોહિત દૌસામાં સ્થાનિક બ્રાહ્મણ સમુદાયની રાજનીતિમાં પણ પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વર્ષ 2024ની દૌસા વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન તેમણે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ બાદમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું અને ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો.

આ સમાચાર શેર કરો