મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ / ગેમઝોનની વિકરાળ આગમાં બાળકો સહિત 32 લોકોના મોત, ભૂલકાંઓના જીવન સાથે કોણે રમી ગેમ?

Rajkot Gamezone Fire : રાજકોટમાં તક્ષશીલા જેવો અગ્નિકાંડ સર્જાઈ ગયો. જેમાં 32 લોક

Rajkot Gamezone Fire : રાજકોટમાં તક્ષશીલા જેવો અગ્નિકાંડ સર્જાઈ ગયો. જેમાં 32 લોકો જીવતા ભૂંજાઈ ગયા. મોરબીના ઝુલતા પુલ અને વડોદરાના હરણીની બોટ દુર્ઘટનામાંથી પણ તંત્ર અને સત્તાધીશોએ બોધપાઠ ન લીધો જેથી વેકેશનમાં ગેમઝોનમાં મજા માણવા આવેલા 32 લોકોના જીવ સાથે રમત થઈ ગઈ.

બાળકો સહિત 32 જીવતા ભૂંજાયા

રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં આગ લાગતા અનેક લોકો જીવતા ભૂંજાઈ ગયા. વેકેશનમાં ગેમની મજા માણવા આવેલા બાળકોને મોત મળ્યું. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આખો ગેમઝોન મોતનો ઝોન બની ગયો. સમગ્ર મોલ રાખમાં ફેરવાઈ ગયો તેવા દ્રશ્યો સામે આવ્યાં..એટલે એ કલ્પના પણ ન કરી શકાય કે અંદર હાજર રહેલા લોકોની શું હાલત થઈ હશે. 

મૃતદેહના પોટલા બંધાયા, ઓળખ કરવી પણ મુશ્કેલ

વિકરાળ આગમાં 55 મિનિટમાં ટપોટપ લોકોના મોત થઈ ગયા. થોડીવારમાં તો મૃતદેહોનો ખડકલો થઈ ગયો. અમુક મૃતદેહને પોટલાની જેમ બાંધીને બહાર કઢાયા. લોકો એટલી હદે સળગી ગયા કે તેમના મૃતદેહોને ઓળખવા પણ મુશ્કેલ હતા.DNA ટેસ્ટ કરીને મૃતદેહોની ઓળખ કરવી પડે તેવી સ્થિતિ છે.

તાપસ માટે SITની રચના , તમામ ગેમઝોન બંધ કરાવાયા

ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ કરી મહાનગરપાલિકા અને વહીવટી તંત્રને બચાવ રાહત કામગીરી માટે સૂચના આપી છે, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વ્યવસ્થાઓ કરવા પણ આદેશ આપ્યા છે. દુર્ઘટના બાદ ઉંઘમાંથી જાગેલા તંત્રએ ગુજરાતના તમામ ગેમઝોન બંધ કરવાના આદેશ આપ્યા. તપાસ માટે SITની રચના થઈ. 

ગેમઝોનના સંચાલકની અટકાયત

અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું કે ગેમ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટનો એક જ ગેટ હતો..ગેમિંગ ઝોનને જગ્યા ભાડે આપનાર મનિષ પ્રજાપતિ ફરાર થયો છે. તેણે યુવરાજસિંહ  નામના વ્યક્તિને ગેમઝોન માટે જગ્યા ભાડે આપી હતી. ગેમઝોનના સંચાલક યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી છે. 

ગેમઝોનના સંચાલકો વિરૂદ્ધ કોઈ પગલા લેવાશે?

આ ઘટના અનેક સવાલો છોડી જાય છે.. રાજકોટમાં લાગેલી આગ માટે જવાબદાર કોણ?, શું ગેમિંગ ઝોનમાં ફાયર સેફ્ટીના સાધનો ન હતા?, ફાયર સેફ્ટિના સાધનો હતા તો આગમાં આટલી મોટી જાનહાની કેવી રીતે થઈ ગઈ?,  ગેમિંગ ઝોનમાં થયેલી ઘટનાની જવાબદારી કોણ લેશે?, શું માત્ર ગેમઝોનના ઓડિટ કરવાથી કામ ચાલી જશે?, સંચાલકોને ફરાર થવાનો મોકો કોણે આપ્યો?, થોડા રૂપિયાના નફા માટે લોકોના જીવ સાથે ચેડા કેમ?, આડેધડ ગેમઝોનને મંજૂરી આપવા પાછળ કોણ જવાબદાર?, ક્યાં સુધી વારંવાર આવી ઘટનાઓ બનતી રહેશે?, ગેમઝોનના સંચાલકો વિરૂદ્ધ કોઈ પગલા લેવાશે?, ફરી આ ઘટનામાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ તો નહી થાય?, તંત્રની કાર્યવાહી માત્ર કાગળ પર તો નહીં રહી જાય?, શું માત્ર નાની માછલીઓ જાળમાં આવશે..મગરો છટકી જશે?, આવી ઘટના નહીં બને તેની ગેરંટી કોણ લેશે?, ફરી કોઈ પરિવાર તેમના વ્હાલસોયા નહીં ગુમાવે તેની ગેરંટી કોણ લેશે?

આ સમાચાર શેર કરો