Video: હિંમતનગરમાં 'હુડા'નો વિરોધ વધુ ઉગ્ર બન્યો, 7 હજાર ભાજપના કાર્યકર્તાઓ આપશે સામૂહિક રાજીનામું
હિંમતનગરમાં હુડાનો વિરોધ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. સરકાર સાથે બેઠકો યોજવા છતાં ક
હિંમતનગરમાં હુડાનો વિરોધ દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે. સરકાર સાથે બેઠકો યોજવા છતાં કોઈ નિર્ણય ન આવતા હવે હુડા અસરગ્રસ્ત 11 ગામના સાત હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સામૂહિક રાજીનામું આપશે.
કાર્યકર્તાઓ 20 ડિસેમ્બરે ભાજપ કાર્યાલય ખાતે આપશે રાજીનામું
હિંમતનગર વિસ્તારમાં હુડા યોજનાનો વિરોધ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. છેલ્લા 100 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો અને અસરગ્રસ્ત ૧૧ ગામોના લોકોએ મોટો નિર્ણય લીધો છે. સરકાર સાથે બેઠકો યોજવા છતાં કોઈ નિર્ણય ન આવતા હવે આ આંદોલનને ઉગ્ર બનાવાયું છે. સંકલન સમિતિની બેઠકમાં તમામ ખેડૂત આગેવાનો અને ભાજપના કાર્યકર્તાઓ ઉગ્ર બન્યા હતા અને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો. હુડા અસરગ્રસ્ત 11 ગામના સાત હજાર જેટલા ભાજપના કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી સામૂહિક રાજીનામું આપશે. તમામ કાર્યકર્તાઓ આગામી 20 ડિસેમ્બરે ભાજપ કાર્યાલય ખાતે રાજીનામું સુપરત કરશે.
વેપારી અને બિલ્ડર એસોસિએશન સહિત રાજકીય આગેવાનો હોદ્દેદારોનું સમર્થન
મળતા અહેવાલ પ્રમાણે વેપારી અને બિલ્ડર એસોસિએશન સહિત રાજકીય આગેવાનો હોદ્દેદારોએ ગત 12 ડિસેમ્બરે બંધના એલાનને સંપૂર્ણ રીતે સમર્થન આપવામાં આવ્યું હતું. હૂડાના વિરોધમાં કોઈપણ પ્રકારના અનિચ્છનિય બનાવને ટાળવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
11 ગામના ખેડૂતોની જમીન કપાતમાં જતા સરકાર સામે લોકોનો રોષ
હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (HUDA) ના નોટિફિકેશન સામે 11 ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ ચાલુ રાખ્યો છે. નોંધનીય છે કે, હુડાના નોટિફિકેશન જાહેર થયા બાદ હુડામાં 11 ગામના ખેડૂતોની જમીન કપાતના જઈ રહી છે જેથી નોટિફિકેશન જાહેર થયું ત્યારથી જ આ 11 ગામના ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. આ મામલે સરકાર સાથેની બેઠક ગત રોજ નિષ્ફળ ગઈ હતી. ખેડૂતોએ હવે લડી લેવાના મૂડમાં છે, તે માટે 12 ડિસેમ્બરના રોજ હિંમતનગર બંધનું એલાન આપ્યું હતું. ખેડૂતોના આંદોલનને શહેરના વેપારીઓ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓએ પણ સમર્થન આપ્યું હતું અને બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.






