VIDEO: બંગાળમાં આજથી 'શુભેન્દુ યુગ'નો પ્રારંભ, શપથવિધિમાં PM મોદી સહિત 20થી વધુ રાજ્યોના CM અને દિગ્ગજ નેતાઓ રહેશે હાજર
West Bengal CM: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજથી એક નવો અધ્યાય લખાવવા જઈ રહ્યો છે. ભાજપના નેતા

West Bengal CM: પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજથી એક નવો અધ્યાય લખાવવા જઈ રહ્યો છે. ભાજપના નેતા શુભેન્દુ અધિકારી આજે (નવમી મે) કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સવારે 11 વાગ્યે યોજાનારા આ ભવ્ય સમારોહ સાથે જ રાજ્યમાં તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસનનો સત્તાવાર રીતે અંત આવશે.
VVIP મહેમાનોનો જમાવડો
આ હાઇ-પ્રોફાઇલ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના 20 થી વધુ મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓ આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા કોલકાતા પહોંચ્યા છે.
મહેમાનોની યાદીમાં યુપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રિજેશ પાઠક, રાજસ્થાનના પ્રેમચંદ બૈરવા, તેમજ મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને હરિયાણાના નાયબ સિંહ સૈનીનો સમાવેશ થાય છે. પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ પેમા ખાંડુ (અરુણાચલ), નેફિયુ રિયો (નાગાલેન્ડ) અને હિમંતા બિસ્વા સરમા પણ હાજરી આપશે.
'સોનાર બાંગ્લા'ની થીમ અને વિશેષ આમંત્રણ
સમારોહમાં 'સોનાર બાંગ્લા'ની ઝલક રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. કાર્યક્રમની સૌથી ભાવુક ક્ષણ એ હશે જ્યારે TMC શાસન દરમિયાન રાજકીય હિંસામાં જીવ ગુમાવનારા 200 થી વધુ લોકોના પરિવારોને ખાસ સન્માન સાથે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઉદ્યોગપતિ સંજય બુધિયા, અભિનેત્રી મમતા શંકર અને અનેક ન્યાયિક હસ્તીઓ પણ ઉપસ્થિત રહેશે.
ઐતિહાસિક તૈયારીઓ અને સુરક્ષા
બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. આશરે 1,000 VVIP અને 9,000 અન્ય ખાસ મહેમાનોને આમંત્રણ અપાયું છે. મુખ્ય સ્થળ પર 50,000 ખુરશીઓ મૂકવામાં આવી છે અને લાખો સમર્થકો માટે 20 થી વધુ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. બંગાળ ભાજપના નેતા દિલીપ ઘોષ, અગ્નિમિત્ર પોલ અને નવા ચૂંટાયેલા તમામ ધારાસભ્યો શપથવિધિમાં ભાગ લેશે.




