VIDEO: 'ભાજપ પાસે રેસમાં દોડનારા ઘોડા જ છે', નીતિન પટેલે કોંગ્રેસને આપ્યો જવાબ
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સાઇડલાઇન કરવામાં આવ્યા હોવાની ચર્ચા વચ્ચે છેલ્લા કેટલાક દ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સાઇડલાઇન કરવામાં આવ્યા હોવાની ચર્ચા વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં રહેવા માટે અવનવા નિવેદન આપતા રહે છે. નીતિન પટેલનો થોડા સમય પહેલા એક કાર્યકર્તાને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો હતો. હવે મહેસાણામાં નીતિન પટેલનો રમૂજી અંદાજ સામે આવ્યો છે. નીતિન પટેલે કોંગ્રેસના એક નેતાના નિવેદનને લઇને પોતાનો જવાબ આપ્યો હતો.
મહેસાણામાં કાર્યકર્તા આભાર દર્શન કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસને જવાબ આપ્યો છે. નીતિન પટેલે કોંગ્રેસના નેતાના બે પ્રકારના ઘોડાના નિવેદન પર પોતાનો જવાબ આપ્યો હતો .નીતિન પટેલે કહ્યું કે, ભાજપ પાસે માત્રને માત્ર રેસમાં દોડનારા ઘોડા જ છે.
નીતિન પટેલે શું કહ્યું?
મહેસાણામાં એક સભાને સંબોધતા નીતિન પટેલે કહ્યું, "આ સભા આનંદ માટે જ છે, હું આનંદ કરાવવા જ આવ્યો છું, આપણે બધાએ એક નેતાનું નિવેદન સાંભળ્યું બહુ આનંદ થયો. એક પક્ષમાં એ નેતાએ કહ્યું, બે પ્રકારના ઘોડા હોય છે, એક રેસનો ઘોડો અને બીજો લગ્નમાં નચાવવાનો ઘોડો."
નીતિન પટેલે વધુમાં કહ્યું, "હું તમને બધાને કહું છું કે આપણા ભારતીય જનતા પાર્ટી પાસે ફક્તને ફક્ત હરીભાઇ જેવા રેસમાં દોડવા વાળા ઘોડા જ છે. કોઇના ઘેર લગ્ન હોય અને કોઇના છોકરાની ઇચ્છા હોય કે મારે નાચતા ઘોડા પર વરઘોડો કાઢવો છે તો કોંગ્રેસવાળા કોકને બોલાવી લેજો, નાચતો ઘોડો આવી જશે."








