Video: સાણંદમાં મતદાર યાદીમાં ગેરરીતિ આચરાઈ હોવાનો મુસ્લિમ સમાજનો આક્ષેપ, હાઈકોર્ટ જવાની ઉચ્ચારી ચિમકી
સાણંદ તાલુકાના વિરોચનનગર ગામના મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાન

સાણંદ તાલુકાના વિરોચનનગર ગામના મુસ્લિમ સમાજ દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો સાથે પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કેટલાક લોકો દ્વારા રાજકીય હેતુસર ખોટા ફોર્મ ભરીને મુસ્લિમ મતદારોના નામ કમી કરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જાણવા મળ્યું હતું કે વિરોચનનગરના બૂથ નંબર ૩, ૪, ૫ અને ૭ (મુસ્લિમ વિસ્તાર) માંથી આશરે ૬૦૦ જેટલા 'ફોર્મ નંબર ૭' (નામ રદ કરવા માટેના ફોર્મ) ભરવામાં આવ્યા છે.
ચોક્કસ રાજકીય પાર્ટીના ઈશારે કામગીરી કરાતી હોવાનો આક્ષેપ
રજૂઆતમાં જણાવ્યા મુજબ, આ ફોર્મ ભરનારા અરજદારો પૈકી કોઈ પણ વ્યક્તિ તે ગામના રહેવાસી નથી. અને જે નામો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે, તેના માટે કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. અરજીમાં સ્પષ્ટપણે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોઈ ચોક્કસ રાજકીય પાર્ટીના ઈશારે અને ખોટા એકરારનામાં કરીને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચિમકી
વિરોચનનગર મુસ્લિમ ગ્રામજનોએ માંગ કરી છે કે ખોટી રીતે ભરાયેલા તમામ ફોર્મ નંબર ૭ તાત્કાલિક રદ કરવામાં આવે અને ખોટા પુરાવા ઊભા કરનાર અને અફવા ફેલાવનાર સામે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ હેઠળ એફ.આઈ.આર. (FIR) દાખલ કરવામાં આવે તેમજ જ્યાં સુધી યોગ્ય તપાસ ન થાય ત્યાં સુધી બૂથ નંબર ૩ થી ૭ની મતદાર યાદી યથાવત રાખવામાં આવે. આ બાબતે મુસ્લિમ સમાજે ચીમકી આપી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ આ મામલે હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. હાલમાં આ મુદ્દો સાણંદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.






