મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભવનાથમાં બમ બમ ભોલેના નાદ સાથે મેળાનો પ્રારંભ, મહા શિવરાત્રિએ સાધુઓની રવેડી નીકળશે

મહાવદ નોમના સવારે નવ વાગ્યે વહીવટી તંત્ર દ્વારા સાધુ સંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિર ખાતે ધ

મહાવદ નોમના સવારે નવ વાગ્યે વહીવટી તંત્ર દ્વારા  સાધુ સંતો અને ભાવિકોની ઉપસ્થિતિમાં ભવનાથ મંદિર ખાતે ધ્વજાની વિધિવત રીતે પૂજાવિધિ કરવામાં આવી. કલેક્ટરના હસ્તે ધ્વજારોહણ સાથે જ પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. તા. 26ને શિવરાત્રિના દિવસે સાધુઓની રવેડી નીકળશે. પૂજાવિધિ અને ધ્વજારોહણ કાર્યક્રમમાં સાધુસંતો મહંતો અને કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

તળેટી ક્ષેત્રમાં નાના મોટા 100થી વધુ અન્નક્ષેત્ર ધમધમતા થયા

શિવરાત્રિના મેળાનો વિધિવત પ્રારંભ થતાં જ તળેટી ક્ષેત્રમાં નાના મોટા 100થી વધુ અન્નક્ષેત્ર ધમધમતા થઈ ગયા છે. મેળામાં આવતા લોકોને ભોજન કરાવવા માટે હરિ હરનો નાદ ગુંજી ઉઠ્યો છે. મેળામાં આવતા ભાવિકોને નિઃસ્વાર્થ ભાવે ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે. હજારો ભૂખ્યા લોકોની જઠરાગ્નિ બુઝાવવામાં આવે છે. રાત પડતા જ તળેટી વિસ્તારમાં આવેલા આશ્રમ, જગ્યાઓ તેમજ ઉતારાઓમાં ભજન, સંતવાણીની રમઝટ જામશે અને હજારો ભાવિકો મેળાની મજા માણશે. શનિવાર- રવિવારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડવાની સંભાવના છે.  

સાધુ સંતો પણ મેળામાં ધુણા પ્રજ્વલ્લિત કરશે

ભવનાથ તળેટીમાં મેળા પૂર્વે  આવી પહોંચેલા સાધુ સંતો પણ મેળામાં ધુણા પ્રજ્વલ્લિત કરશે અને આ ધુણાઓની ધૂમ્રશેરોથી ભવનાથમાં તળેટીમાં અલગ માહોલ સર્જાશે. મનપા દ્વારા લાઈટ, પાણી, સફાઈ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે, જયારે પોલીસ વિભાગ  દ્વારા પણ રાવટીઓ ખાતે બંદોબસ્ત શરૂ થઈ જશે. જૂનાગઢ પોલીસ દ્વારા AI ટેક્નોલોજીના માધ્યમથી શ્રદ્ધાળુઓની સુરક્ષા અને પાર્કિંગ સહિતની સુવિધા પૂરી પાડવામાં આવશે. 

AI ટેક્નોલોજી દ્વારા પાર્કિંગની સુવિધા મળશે

જૂનાગઢમાં ખાતે આજે શનિવારથી પાંચ દિવસ માટે શિવરાત્રીના મેળામાં રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવશે. અલગ-અલગ જિલ્લામાંથી આવતા શ્રદ્ધાળુઓને પોતાના વાહનો પાર્કિંગ કરવામાં અગવડતા ન પડે તે માટે જૂનાગઢ પોલીસે AI ટેકનોલોજીના અપનાવી છે.  જેમાં Parkeasy ચેટબોટનો ઉપયોગ કરાયો છે. શ્રદ્ધાળુઓ QR કોડ સ્કેન કરીને નજીકમાં પાર્કિંગની સુવિધા મેળવી શકશે. જેમાં QR કોડ સ્કેન કરતાં, WhatsApp ચેટબોટ ખુલશે અને તેમાં શ્રદ્ધાળુઓએ 'Hi' મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ તેમને જવાબમાં પોતાના જે-તે જિલ્લાની પસંદગી કરવા જણાવશે અને તેમાં ક્લિક કરતાં જે-તે જગ્યાએ પાર્કિંગ માટેનું ઓટોમેટિક ગુગલ મેપનું લોકેશન પ્રોવાઈડ કરવામાં આવશે. જેના થકી શ્રદ્ધાળુઓ આપેલા લોકેશન પર પોતાનું વાહન પાર્કિંગ કરી શકશે. જ્યારે મેળામાં ભારે સંખ્યામાં શ્રદ્ધાળુ આવવાને છે, ત્યારે ભીડમાં કોઈ વ્યક્તિ પરિવારથી વિખૂટા પડી જાય તો પરિવારને શોધવા માટે 10 PRO સિસ્ટમ પણ ગોઠવી દેવામાં આવી છે. 
 
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'AI ટેકનોલોજીના ઉપયોગથી Parkeasy ચેટબોટ કામ કરશે. આ ટેક્નોલોજીના ઉપયોગથી યાત્રિકો માટે ઈ-પાસ મેળવીને મેળામાં પ્રવેશ મેળવી શકશે. જ્યારે ઈ બંદોબસ્ત એપ્લિકેશનના માધ્યમથી મેળામાં બંદોબસ્ત માટે આવતા તમામ પોલીસકર્મીઓને એપ્લિકેશનના માધ્યમથી પોતાના કામની ફરજ, જરૂરી જાણકારી સહિત તેમની હાજરી પણ તેમાંથી પૂરવામાં આવશે.'

આ સમાચાર શેર કરો