VIDEO: Gujaratમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
ગુજરાતમાં આગામી સાત દિવસ (23મીથી 29મી સપ્ટેમ્બર

ગુજરાતમાં આગામી સાત દિવસ (23મીથી 29મી સપ્ટેમ્બર) દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં દક્ષિણ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વાવાઝોડું અને 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. મજબૂત પવન અને વાવાઝોડાની આગાહીને પગલે તટીય અને દરિયાકાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા માટે ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં હવામાનની સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યાનુસાર, રાજધાની અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે થંડર શાવર સાથે હળવા વરસાદની શક્યતા રહેલી છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી ત્રણ દિવસ એટલે કે 25મી સપ્ટેમ્બર સુધી એકલ-દોકલ અને છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે.
કચ્છમાંથી ચોમાસાની વિદાય શરૂ, વરસાદમાં 8%ની ઘટ
કચ્છના ઉત્તર ભાગમાંથી ચોમાસું પાછું ખેંચાવાની (વિદાયની) શરૂઆત થઈ ચૂકી છે. ચોમાસાની વિદાય રેખા હાલ નલિયા અને ડીસા પરથી પસાર થઈ રહી છે. મોસમના કુલ વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં 636.9 મિ.મી. વરસાદ નોંધાયો છે, જે સામાન્ય વરસાદ (682.2 મિ.મી.) કરતાં 8 ટકા ઓછો છે.
દરિયાકાંઠે પવનની દિશા અને ગતી
ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી અને દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 15થી 20 નોટ્સ (30થી 40 કિ.મી/કલાક)ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા દર્શાવવામાં આવી છે.
હાલમાં 5.8 કિલોમીટરની ઊંચાઈ પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જ્યારે બંગાળની ખાડીના પશ્ચિમ-મધ્ય અને સંલગ્ન ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રમાં એક 'ડીપ ડિપ્રેશન' સર્જાયેલું છે, જેના લીધે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે.











