Video: કોર્ટનાં નામે નકલી દસ્તાવેજ બનાવી સરકારી કચેરીમાં રજૂ કરનાર વકીલની ધરપકડ
અમદાવાદમાં કોર્ટના નામનો બનાવટી હુકમ બનાવી આ કોર્ટ ઓર્ડરને AMC ના જન્મ મરણ વિભાગમાં નામ સ
અમદાવાદમાં કોર્ટના નામનો બનાવટી હુકમ બનાવી આ કોર્ટ ઓર્ડરને AMC ના જન્મ મરણ વિભાગમાં નામ સુધારણા માટે રજૂ કરાયો હતો, ત્યારબાદ સુધારો કરેલો દાખલો મેળવી અરજદારને આપવામાં આવ્યો હતો. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસે આરોપી વકીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
નકલી દસ્તાવેજ બનાવી સરકારી કચેરીમાં રજૂ કર્યો
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં વકીલ દ્વારા મેટ્રો કોર્ટના ખોટા ઓર્ડર બનાવવાનો મામલો સામે આવ્યો છે. ત્રણ આરોપીઓ વિરુદ્ધ નકલી દસ્તાવેજ બનાવી તેનો સરકારી કચેરીમાં ઉપયોગ કરાતા AMC ના જન્મ મરણ વિભાગના અધિકારી દ્વારા ફરિયાદ દાખલ કરાઈ છે. ગાયકવાડ હવેલી પોલીસે આરોપી વકીલ મોહમ્મદ કાઝીની ધરપકડ કરી છે.
બનાવટી જજના નામથી ખોટો ઓર્ડર બનાવ્યો
આરોપી હરિકૃષ્ણની માતા વર્ષ 1988 માં અવસાન પામ્યા હતા, પણ મરણના દાખલામાં ખોટું નામ હોવાથી સુધારો કરવા અલગ અલગ સરકારી કચેરીઓમાં તેને સુધારવાની કામગીરી કરાઈ હતી. આરોપી રજનીકાંત પરીખને પાવર ઓફ એટર્ની તરીકે રોક્યા હતા, જેમણે એક વકીલ તરીકે મોહમ્મદ કાઝીને રોક્યા હતા. વકીલ મોહમ્મદ દ્વારા મરણના દાખલામાં ફેરફાર કરવા હેતુસર મેટ્રો કોર્ટનો ખોટો હુકમ બનાવ્યો હતો. બનાવટી જજના નામથી ખોટો ઓર્ડર બનાવી આ કોર્ટ ઓર્ડરને AMC ની જન્મ મરણ વિભાગમાં નામ સુધારણા માટે રજૂ કર્યો હતો. હરિકૃષ્ણએ માતાના નામે જમીન પર વારસાઈ હક દાખલ કરવા મરણનો દાખલો સુધારવા આ કામ વકીલને સોંપ્યું હતું. વકીલે ખોટી રીતે મરણનો દાખલો બનાવવાના ₹ 25 હજાર વસૂલ્યા હતા, જે બાદ ગેરરીતિનો પર્દાફાશ થતા પોલીસે વકીલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.






