Video: 'જયરાજ આહીરને જેલમાં VVIP સુવિધા અપાઈ રહી છે', નવનીત બાલધિયાના સણસણતા આક્ષેપ
બગદાણા કેસના ભોગ બનનાર નવનીત દ્વારા જિલ્લા જેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છ

બગદાણા કેસના ભોગ બનનાર નવનીત દ્વારા જિલ્લા જેલ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. નવનીત બાલધિયાએ જણાવ્યું છે કે મુખ્ય આરોપી જયરાજ આહીરને જેલમાં VVIP સુવિધા અપાઈ રહી છે. આક્ષેપ મુજબ જયરાજના બનેવી તેમજ અમરેલીના પીઆઇ બહાર નીકળતા હોય તેવા મીડિયામાં વિડીયો ફરતા થયા છે. જેથી જેલ મેન્યુઅલનો ભંગ થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ નવનીતે લેખિત ફરિયાદ કરી છે અને જેલના CCTV ફૂટેજ જપ્ત કરી તપાસની માંગ પણ કરાઈ છે.
સમગ્ર વિવાદનું મૂળ શું?
ડાયરામાં માયાભાઈએ યોગેશ સાગરને બગદાણા આશ્રમના 'મેનેજિંગ ટ્રસ્ટી' તરીકે સંબોધ્યા હતા. બગદાણાના નવનીત બાલધિયાએ માયાભાઇને ફોન કરીને આ વાતનું ખંડન કર્યું હતું કે આશ્રમમાં આવું કોઈ પદ નથી. માયાભાઈએ માફી માંગી વીડિયો આપ્યો હતો, બાલધિયાનો આક્ષેપ છે કે માયાભાઈએ માફી માંગી તે તેમના પુત્ર જયરાજને પસંદ નહોતી પડી અને તેના જ ઈશારે ષડયંત્ર રચાયું હતું. 29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયા પર આઠ જેટલા શખ્સોએ પાઈપ અને ધોકાથી ઘાતક હુમલો કર્યો હતો.
મહત્વનું છે કે 24 જાન્યુઆરીના રોજ SITની તપાસ દરમિયાન આઈજી ઓફિસમાં બીજી વખત હાજર થયેલા માયાભાઈ આહીરના પુત્ર જયરાજની ધરપકડ કરવામાં આવી હતી. 19 જાન્યુઆરી 2026ના ફરિયાદી નવનીત બાલધિયાનું નિવેદન લેવામાં આવ્યું હતું. જે બાદ 21 અને બાદમાં 24 જાન્યુઆરીએ જયરાજ આહીરની પૂછપરછ કરી ધરપકડ કરવામાં આવી હતી. નવનીત બાલધિયાની ફરિયાદ બાદ આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, લોકેશન તથા અન્ય વિગતોની SIT ટીમે તપાસ કરી હતી, નવનીત બાલધિયા પર જે હુમલો થયો છે તેમાં જયરાજ આહીરનો હાથ હોવાનું સામે આવ્યું હતું. ધરપકડ બાદ 25 જાન્યુઆરીએ માયાભાઈ આહીરના પુત્ર જયરાજે જામીન અરજી મહુવા કોર્ટમાં મૂકી હતી જે કોર્ટે ફગાવી દીધી હતી. હાલ જયરાજ ભાવનગર જેલની હવા ખાઈ રહ્યો છે.






