VIDEO: ‘જય કનૈયા લાલ કી’ના નાદથી કૃષ્ણમય બન્યું ડાકોર, ભજન-કીર્તન અને લોકડાયરાની રમઝટ
યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આ

યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમી પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંતો-મહંતો, સ્થાનિક ધારાસભ્યો, રાજ્યના મંત્રી, કલેક્ટર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મધ્યરાત્રિએ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ સુધી ગોમતીઘાટ ખાતે ગુજરાતના નામાંકિત કલાકારોએ કૃષ્ણભજનો, કીર્તન અને લોકડાયરાની રમઝટ બોલાવી હતી. કલાકારોની સુરેલી રજૂઆતો સાંભળીને ઉપસ્થિત ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા.
ખાસ કરીને કચ્છી ગાયક હરિ ગઢવીના સૂર અને સંગીતના તાલે સમગ્ર ડાકોરધામ કૃષ્ણમય બની ગયું હતું. તેમના ભજનો સાથે ભક્તોએ ‘જય કનૈયા લાલ કી’ અને ‘નંદ ઘેર આનંદ ભયો’ના જયઘોષ કર્યા હતા.
જન્માષ્ટમીના પાવન પર્વે ડાકોરમાં યોજાયેલા આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમથી સમગ્ર વાતાવરણમાં ધાર્મિક અને ઉત્સવનો માહોલ છવાઈ ગયો હતો. મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મની ઘડી નજીક આવતાં ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડાકોરધામમાં ભક્તિ, સંગીત અને સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.






