મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO / જગન મોહન રેડ્ડીની પાર્ટીના ધારાસભ્યની ગુંડાગીરી, મતદાન મથક પર EVM તોડ્યું

દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશમાં શાસક પક્ષ YSRCP ના ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડીનો

દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશમાં શાસક પક્ષ YSRCP ના  ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડીનો મતદાન કેન્દ્રમાં ગુંડાગર્દી કરવાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં રેડ્ડી કથિત રીતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ને તોડતા જોવા મળી રહ્યાં છે. તેઓ મતદાન કર્મચારીઓને ધમકાવતા પણ જોવા મળે છે. હાલ આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે.

ક્યારે બની હતી ઘટના? 

આ ઘટના 13 મેના રોજ બની હતી. ચૂંટણી પંચે કહ્યું, અમે વીડિયો પોલીસને સોંપ્યો છે અને તપાસમાં મદદ કરવા કહ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું કે, માચરલા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નંબર 202 અને 7 પર EVM તોડી નાખવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંના વર્તમાન ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડી ઈવીએમને જમીન પર પછાડતા વેબ કેમેરામાં રેકોર્ડ થયા છે. પલાનાડુ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ મતદાન મથકોના વીડિયો ફૂટેજ પોલીસને સોંપ્યા છે. પોલીસને ઘટનાની તપાસ કરવા જણાવાયું છે.

DGPને કડક કાર્યવાહી કરવા સૂચના

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ધારાસભ્યનું નામ તપાસમાં આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે, અમે આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે. સીઈઓ મુકેશ કુમાર મીણાને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ ડીજીપીને આ ઘટનાઓમાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી કરવા જણાવે.

હારના ડરથી ઈવીએમ તોડવામાં આવી રહ્યા છે

વિપક્ષના નેતા અને તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ નારા લોકેશે આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની પાર્ટીના ધારાસભ્યએ ચૂંટણીમાં હારના ડરથી EVM તોડવાનો પ્રયાસ કર્યો છે. તેમણે X પર કથિત ઘટનાનો વીડિયો પણ શેર કર્યો છે.

આ સમાચાર શેર કરો