મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

VIDEO: ખામેનીના મોત બાદ પણ ઈરાનના હુમલા ચાલુ, દુબઈ અને ઈરાકી કુર્દીસ્તાનમાં પણ US બેઝ પર કર્યો અટેક

સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈ અને તેમના પરિવારન

સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામનેઈ અને તેમના પરિવારના અમેરિકા-ઈઝરાયેલના સંયુક્ત હુમલામાં મોતના જવાબમાં ઈરાને 'સૌથી ભયાનક' ઓપરેશનની પ્રતિજ્ઞા લીધાના કલાકો બાદ દુબઈ, દોહા અને મનામામાં વિસ્ફોટો થયા હોવાના અહેવાલ છે. દરમિયાન, એક અહેવાલ મુજબ કુવૈતમાં પણ એર રેડ સાયરન (હવાઈ હુમલાની ચેતવણી) વગાડવામાં આવ્યા છે.

ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન સામે કરેલા સંયુક્ત હુમલા બાદ ખામનેઈનું તેહરાનમાં તેમની ઓફિસમાં મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અમેરિકી હુમલામાં ખામનેઈની પુત્રી, જમાઈ અને પૌત્ર પણ માર્યા ગયા છે.

હવાઈ સેવાઓ ઠપ્પ અને સુરક્ષા એલર્ટ

અમેરિકા-ઈરાન સંઘર્ષને કારણે આ ક્ષેત્રમાં વધતા તણાવ વચ્ચે રવિવાર સુધીમાં અખાતી દેશો અને મધ્ય પૂર્વમાં 700 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. FlightRadar24 જેવા ફ્લાઇટ ટ્રેકિંગ મેપ્સમાં દુબઈ ઉપરનું હવાઈ ક્ષેત્ર લગભગ ખાલી જોવા મળ્યું હતું.

સત્તાવાળાઓએ બુર્જ અલ અરબમાં આગ લાગવાની અને દુબઈ એરપોર્ટ પર એક ઘટનાની પુષ્ટિ કરી છે, જેમાં ખામનેઈના મૃત્યુના અહેવાલો વચ્ચે ચાર લોકો ઘાયલ થયા છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)એ એક SMS સંદેશ દ્વારા તેના નાગરિકો અને રહેવાસીઓને ઘરની અંદર રહેવા અને સૂચનાઓની રાહ જોવા જણાવ્યું છે. દરમિયાન, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે UAEના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી સાથે વાત કરી અને કહ્યું કે ભારત વણસતી જતી પરિસ્થિતિ અંગે ચિંતિત છે.

ઈરાનનો વળતો પ્રહાર

અમેરિકા અને ઈઝરાયેલના હુમલાના કલાકો પછી, ઈરાને પર્સિયન ગલ્ફમાં અમેરિકી સૈન્ય મથકોને નિશાન બનાવીને વળતો પ્રહાર કર્યો હતો. દોહા અને અબુ ધાબી સહિત મધ્ય પૂર્વના શહેરોમાં મિસાઈલોને આંતરવામાં (intercept) આવી હતી.

  • દુબઈના 'ધ પામ' પાસે ધુમાડો: દુબઈના પ્રખ્યાત માનવસર્જિત ટાપુ 'ધ પામ' (The Palm) પાસે જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા અને ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા. એક પ્રત્યક્ષદર્શીએ AFP ને જણાવ્યું કે તેણે પામ પરની એક હોટલમાંથી કાળો ધુમાડો નીકળતો જોયો હતો.

  • સત્તાવાર પુષ્ટિ: દુબઈ મીડિયા ઓફિસે પામ જુમેરાહ વિસ્તારમાં એક ઈમારતમાં "ઘટના" ની પુષ્ટિ કરી છે જેમાં આગ લાગી હતી અને ચાર લોકો ઘાયલ થયા હતા. દુબઈ સિવિલ ડિફેન્સે જણાવ્યું છે કે આગ હવે કાબૂમાં છે.

UAE સંરક્ષણ મંત્રાલયનું નિવેદન

UAE ના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે તેની એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા મિસાઈલોનો સામનો કરવામાં આવ્યો હતો. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, મંત્રાલયે કહ્યું કે, "દેશની સુરક્ષા અને સ્થિરતાને નુકસાન પહોંચાડવાના કોઈપણ પ્રયાસનો મક્કમપણે સામનો કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે."

UAE એ ઈરાની હુમલાઓને "ખતરનાક ઉશ્કેરણી" ગણાવીને તેનો જવાબ આપવાનો અધિકાર અનામત રાખ્યો છે. અબુ ધાબીમાં મિસાઈલના અવશેષો પડવાથી એક નાગરિકનું મોત થયું છે.

શનિવારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને UAE ના પ્રમુખ મોહમ્મદ બિન જાયદ વચ્ચે વાતચીત થઈ હતી. તેમણે આ હુમલાઓની નિંદા કરતા કહ્યું કે આ એક ખતરનાક ઉશ્કેરણી છે જે પ્રાદેશિક સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે. દરમિયાન, અનેક દેશોની સરકારોએ મધ્ય પૂર્વમાં રહેતા તેમના નાગરિકો માટે તાત્કાલિક ચેતવણીઓ જારી કરી છે.

આ સમાચાર શેર કરો