ગુજરાતમાં બે સ્થળે ખેતરમાં આગ, એક સ્થળે કાર સળગી; કોઈ જાનહાનિ નહીં
ગુજરાતમાં છેલ્લી ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. પહેલા સુરત માર્કેટમાં ગંભીર
ગુજરાતમાં છેલ્લી ઘણા સમયથી આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. પહેલા સુરત માર્કેટમાં ગંભીર આગ લાગી હતી તેના થોડા દિવસમાં સુરેન્દ્રનગરમાં આગ લાગી હતી બાદમાં ફરી સુરતના એક કપડાના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે આજે ફરી ગુજરાતમાં ત્રણ અલગ અગલ સ્થળે આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. જેમાં બેે જિલ્લાઓમાં ખેતરમાં આગ લાગી હતી જ્યારે એક સ્થળે કારમાં આગ લાગી હતી. જો કે કોઈ પણ ઘટનામાંથી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.
પાટણમાં મિલનો કચરો સળગાવતા ખેતરોમાં લાગી આગ
પાટણ જિલ્લામાંથી ખેતરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં પાટણ જિલ્લામાં ચાણસ્મા તાલુકાના સેલાવી ગામમાં આગની ગંભીર ઘટના સામે આવી છે. સેલાવી રોડ પર આવેલી પેપર મિલમાં કચરો સળગાવવાથી આસપાસના ખેતરોમાં આગ લાગી છે. પેપર મિલના સળગતા કચરાના તણખા નજીકના ખેતરમાં ભેગો કરેલા મેથીના પાક પર પડ્યા હતા. જેને કારણે આગ લાગી હતી અને તે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ વિકરાળ આગ એક પછી એક એમ ત્રણ ખેતરોમાં ફેલાઈ ગઈ. આ ઘટનાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અરવલ્લીમાં વીજતારમાંથી તણખાં ખરતાં ખેતરનો પાક બળીને ખાખ
અરવલ્લીમાંથી પણ એક ખેતરમાંથી આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. જેમાં મોડાસાના બામણવાડમાં ઘઉંના ખેતરમાં આગ લાગી હતી. ખેતરમાં લાગેલા વીજતારમાંથી તણખા ખરતા ઉગેલો ઉભો પાક આગમાં હોમાયો હતો. અઢી વીઘા ખેતરમાં વાવણી કરાયેલ પાક ખાખ થઈ ગયો હતો. જેમાં રાજુભાઇ ઠાકર નામના ખેડૂતના ખેતરમાં આગ લાગી હતી. વીજતાર સમયસર નહીં ખેંચાતા ખેડૂતોના માથે મોટો ખતરો આવી ચડ્યો છે તેમજ વીજ વિભાગ સામે ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
રાજકોટમાં હાઈવે નજીક એક કાર સળગીને થઈ રાખ
ઉનાળાનો પ્રારંભ થતા જ આગની ઘટનામાં ઉતરોત્તર વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટ ભાવનગર હાઇવે પર કારમાં આગ લાગવાની ઘટના સામે આવી રહી છે. હાઈવે નજીક રંગુનમાતાજી મંદિર પાસે એક કારમાં આગ લાગી હતી. આગ લાગતા કાર બળીને રાખ થઈ ગઈ હતી. કાર સળગી જવાની સમગ્ર ઘટનાના વીડિયો પણ સામે આવ્યો હતો. જો કે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.






