મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: વંદે ભારત ટ્રેન ચલાવવા મામલે લોકો પાયલોટ વચ્ચે મારામારી, ગાર્ડરૂમનો કાચ પણ તોડી નાખ્યો

આગ્રા અને ઉદયપુર વચ્ચે 2 સપ્ટેમ્બરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

આગ્રા અને ઉદયપુર વચ્ચે 2 સપ્ટેમ્બરથી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવામાં આવી છે. વંદે ભારત ટ્રેન ચલાવવા મામલે કોટા અને આગ્રા રેલ મંડળના કર્મચારીઓ વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન ટ્રેનના ચાલક અને સહ ચાલક અને ગાર્ડ સાથે મારપીટ કરવાની સાથે સાથે કપડા પણ ફાડી નાખ્યા હતા.

 વંદે ભારત ટ્રેનના લોકો પાયલોટે ગાર્ડ રૂમના દરવાજાનો લોક પણ તોડી નાખ્યો હતો અને કાચ પણ ફોડી નાખ્યા હતા. ટ્રેનમાં વર્કિગને લઇને બે રેલ મંડળો વચ્ચેનો વિવાદ હવે રેલ્વે બોર્ડ સુધી પહોંચી ગયો છે.

બન્ને રેલ મંડળના ચાલકો ચલાવવા માંગે છે ટ્રેન

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ચલાવવા માટે કોટા રેલ મંડળ અને આગ્રા રેલ મંડળ વચ્ચે આ ઝઘડો પ્રથમ વખત નથી થયો. 2 સપ્ટેમ્બરે સોમવારે જ્યારે આ ટ્રેન કોટાથી ગંગાપુર પહોંચી તો આગ્રા રેલ મંડળના ચાલક ટ્રેનને આગ્રા લઇ જવા માંગતા હતા પરંતુ ગંગાપુર સિટીના ચાલકોએ ટ્રેનને લઇ જવાનો ઇનકાર કર્યો હતો. તે બાદ બન્ને મંડળના કર્મચારી વચ્ચે ઝઘડો થયો હતો.

ઉદયપુરથી ચાલનારી વંદે ભારત ટ્રેન ઉત્તર-પશ્ચિમ રેલવે અજમેર મંડળથી શરૂ થાય છે. તે બાદ આ પશ્ચિમ-મધ્ય રેલ્વેના કોટા રેલ મંડળ થઇને પસાર થાય છે. બાદમાં ઉત્તર-મધ્ય રેલવે મંડળમાં આગ્રા રેલ મંડળ સુધી જાય છે. બન્ને રેલ મંડળ વચ્ચે થઇ રહેલા ઝઘડાને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.

આ સમાચાર શેર કરો