બાંગ્લાદેશ જેવી અરાજકતા ભારતમાં ફેલાવવાનું ષડયંત્ર: નેહા બોરાના નિવેદનને ટાંકી ભાજપનો રાહુલ ગાંધી પર આકરો પ્રહાર

બાંગ્લાદેશમાં થયેલા જેન-ઝેડ (Gen-Z) વિરોધ પ્રદર્શન અંગે આઇસા (AISA) પ્રમુખ નેહા બોરાના એક નિવેદનને લઈને ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ આરોપ લગાવ્યો છે કે દેશમાં બાંગ્લાદેશ જેવી અરાજકતા ફેલાવીને ચૂંટાયેલી સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાની કોશિશ કરવામાં આવી રહી છે.
પ્રદીપ ભંડારીએ જણાવ્યું કે, એક માર્ચ દરમિયાન રાહુલ ગાંધીએ નેહા બોરાને આંદોલનનો ચહેરો બનાવ્યા હતા. તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં નેહા બોરાએ કહ્યું હતું કે તેઓ બાંગ્લાદેશના આંદોલનથી પ્રેરિત છે અને ભારતમાં પણ બરાબર એવું જ થવું જોઈએ. ભંડારીએ દાવો કર્યો કે શબ્દો ભલે નેહા બોરાના હોય, પરંતુ તેની પાછળનો વિચાર રાહુલ ગાંધીનો છે. બાંગ્લાદેશમાં ભીડ અને કટ્ટરપંથી તત્વોનો ઉપયોગ કરીને અરાજકતા ફેલાવાઈ અને સત્તા પલટો કરવામાં આવ્યો હતો, તેવી જ પરિસ્થિતિ ભારતમાં ઊભી કરવાની કોશિશ થઈ રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, લોકતાંત્રિક રીતે સત્તામાં આવવામાં નિષ્ફળ રહેલા રાહુલ ગાંધી અને તેમની સમગ્ર ઇકોસિસ્ટમ હવે દેશની લોકશાહીને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર રચી રહી છે. પ્રશાંત ભૂષણ પર નિશાન સાધતા ભંડારીએ કહ્યું કે એક ટ્વિટર (X) સ્પેસમાં પ્રશાંત ભૂષણે ક્રાંતિ અને લોહીયાળ સંઘર્ષની વાતો કરી હતી, અને તેના ૨૪ કલાકમાં જ રાહુલ ગાંધી તેમની સાથે સંયુક્ત પત્રકાર પરિષદમાં જોવા મળ્યા હતા. ભાજપ પ્રવક્તાએ આક્ષેપ કર્યો કે આ તમામ ઘટનાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે આ લોકશાહી વિરોધ નથી પરંતુ દેશમાં અરાજકતાને માન્યતા આપવાનો એક પૂર્વઆયોજિત પ્રયાસ છે.






