મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

SIR વિવાદ / CEC જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી માંગ્યો જવાબ

SIR વિવાદ / CEC જ્ઞાનેશ કુમારની મુશ્કેલીઓ વધી! સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી માંગ્યો જવાબ

દેશભરમાં ચાલી રહેલી મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન - SIR પ્રક્રિયા અને તે દરમિયાન મોટા પાયે મતદારોના નામ રદ કરવાના ગંભીર આરોપો સાથે વિપક્ષી I.N.D.I.A. ગઠબંધન સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. વિપક્ષની અરજી બાદ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ભારતીય ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. આ કેસમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની વિશેષ બેંચે સુનાવણી હાથ ધરી હતી. અદાલતે ચૂંટણી પંચને નોટિસ આપવાની સાથે સાથે અરજદારોમાંના એક નેતાના આચરણ પર ગંભીર સવાલો પણ ઉઠાવ્યા છે.

સુપ્રીમ કોર્ટનો આદેશ અને જૂની અરજીઓ સાથે જોડાણ

ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની ખંડપીઠે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને અન્ય વિપક્ષી દિગ્ગજો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. અદાલતે ચૂંટણી પંચ અને CEC પાસેથી જવાબ માંગતા આ કેસને વિવિધ રાજ્યોમાં SIRની માન્યતાને પડકારતી અન્ય પેન્ડિંગ અરજીઓ સાથે જોડી દીધો છે.

'એક અરજદાર પોતાના વર્તનનો ખુલાસો કરે': અદાલતની કડક શરત

આ સમગ્ર સુનાવણીમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે તેઓ આગામી તારીખે અરજદારોમાંથી એક નેતાને તેમના અગાઉના આચરણ અંગે જવાબ આપવા કહેશે. જોકે, ખંડપીઠે તે નેતાનું નામ જાહેર કર્યું નહોતું.

સુપ્રીમ કોર્ટે કહ્યું - પહેલા તમારા વર્તનનો જવાબ આપો

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નોટિસ ઇશ્યૂ કરવામાં આવે છે, પરંતુ તે પહેલાં એક વાંધો છે. આગામી સુનાવણીની તારીખે અમે અરજદારોમાંથી એક નેતાને તેમના વલણ અને આચરણ અંગે સવાલ પૂછવા માંગીશું. નોટિસ પાઠવવાનો અર્થ એ નથી કે અમે કંઈપણ પૂર્વગ્રહપૂર્વક સ્વીકારી રહ્યા છીએ કે કશાની ટીકા કરી રહ્યા છીએ.

અરજી કરનારા વિપક્ષી ગઠબંધનના મોટા નેતાઓ

  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે
  • સૌગત રોય
  • સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવ
  • રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી પ્રસાદ યાદવ
  • શિવસેના (UBT) નેતા સંજય રાઉત
  • CPI-M નેતા એમ. એ. બેબી
  • CPI નેતા ડી. રાજા
  • JMMના મહુઆ માઝી
  • NCPSPના સુપ્રિયા સુલે
  • IUMLના મોહમ્મદ બશીર

આ કાનૂની લડત અચાનક શરૂ નથી થઈ. દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી SIR ની પદ્ધતિ સામે અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિપક્ષ દ્વારા ઉગ્ર દેખાવો કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અન્ય બે ચૂંટણી કમિશનરોના વાંધાઓ છતાં, CEC જ્ઞાનેશ કુમારે SIR સંબંધિત અનેક નિર્ણયો એકપક્ષીય રીતે લીધા હતા.

BNSSની કલમ 163 હેઠળ અટકાયતો

આ અહેવાલ બાદ થયેલા દેખાવોને પગલે દિલ્હી પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 163 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો લાગુ કર્યા હતા અને વીકએન્ડ દરમિયાન મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

12 ઑક્ટોબરનો સુપ્રીમ કોર્ટ તરફ વિપક્ષની કૂચ

વિપક્ષી નેતાઓ 12 ઑક્ટોબરે એક વિશાળ જનમેદની સાથે સુપ્રીમ કોર્ટ તરફ કૂચ કરી હતી. રાહુલ ગાંધી અને ઇન્ડિયા ગઠબંધનના અગ્રણીઓએ જાતે સુપ્રીમ કોર્ટ પહોંચીને આ પિટિશન દાખલ કરી હતી, જેમાં સમગ્ર દેશમાં ચાલતી SIR પ્રક્રિયા દરમિયાન લાખો નાગરિકોના નામ મતદાર યાદીમાંથી ગેરકાયદેસર રીતે રદ કરવામાં આવ્યા હોવાનો અને મોટા પાયે ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો