મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, વીજ પોલ સાથે કાર અથડાતા 4નાં મોત, ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવાયો

VIDEO: અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે

તસવીર: GSTV

VIDEO: અમદાવાદ જિલ્લાના ધોળકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બારેજાથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં જઈ રહેલી એક સ્કોર્પિયો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે.

કારના કૂર્ચેકૂર્ચા નીકળી ગયા 

મળતી માહિતી અનુસાર, કારચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્કોર્પિયો કાર માર્ગ પરથી ઉતરીને પલટી મારી ગઈ હતી અને સીધી વીજ પોલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં 3 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત એટલો જોરદાર હતો કે સ્કોર્પિયો કારના કૂર્ચેકૂર્ચા નીકળી ગયા હતા અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

અકસ્માતની જાણ થતા જ ધોળકા અને બગોદરાની એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી ધોળકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાથી હજુ પણ મૃતાંક વધવાની આશંકા સેવાઈ રહી છે.

સગાઈનો પ્રસંગ શોકમાં ફેરવાયો
મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો બારેજા ગામથી ભામસરા ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. ખુશીના પ્રસંગમાં જઈ રહેલા પરિવારને રસ્તામાં જ કાળ ભેટી જતાં સમગ્ર પંથકમાં અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો