દિવાળીમાં ઈમરજન્સીનો કોલ વધશે, 108ની ટીમ એલર્ટ મોડ પર!

દિવાળીના તહેવારમાં લોકો ખુશીઓ અને ઉત્સાહ સાથે ઉજવણી કરતા હોય છે, પરંતુ આ જ દિવસોમાં અકસ્માતો, આગ લાગવાના બનાવો અને ફટાકડાથી દાઝી જવાના કિસ્સાઓમાં વધારો થતો હોય છે. આવી કોઈપણ ઈમરજન્સીમાં દર્દીને સમયસર સારવાર મળી રહે તે માટે ગુજરાતની 108 ઈમરજન્સી સેવા સજ્જ બની છે. દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજ એમ ત્રણ દિવસ દરમિયાન ઈમરજન્સી કોલમાં મોટો વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા અને કલાકવાર ખાસ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની તમામ 800 એમ્બ્યુલન્સને એલર્ટ રાખવામાં આવશે, જ્યારે 38 ICU ઓન વ્હીલ્સ પણ કાર્યરત રહેશે. તો ચાલો જાણીએ કે દિવાળીના ત્રણ દિવસ દરમિયાન 108ની કેવી રહેશે તૈયારીઓ.દિવાળીના તહેવાર દરમિયાન ઈમરજન્સી કોલમાં વધારો થતો હોવાથી 108 દ્વારા આ વખતે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય દિવસોમાં ગુજરાતમાં દરરોજ સરેરાશ 5,842 કોલ આવે છે, જે દિવાળીના દિવસે 16 ટકા વધીને 6,111 સુધી પહોંચવાનો અંદાજ છે. જ્યારે નૂતન વર્ષના દિવસે 29.12 ટકાના વધારા સાથે 6,775 કોલ અને ભાઈબીજના દિવસે 23 ટકાના વધારા સાથે 6,453 કોલ આવવાની શક્યતા છે. આ કોલને પહોંચી વળવા જિલ્લા પ્રમાણે અને કલાક પ્રમાણે એમ્બ્યુલન્સ તથા મેડિકલ ટીમની ગોઠવણ કરવામાં આવી છે. કઠવાડા ખાતે પણ પૂરતા પ્રમાણમાં સ્ટાફ તૈનાત રાખવામાં આવશે. રાજ્યની તમામ 800 એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે અને 586 PHC-CHC કેન્દ્રો સાથે સરકારી હોસ્પિટલોનું પણ સંકલન કરવામાં આવ્યું છે.દિવાળીમાં ફટાકડાની ઉજવણી દરમિયાન દાઝી જવાના બનાવો પણ ચિંતાનો વિષય હોય છે. સામાન્ય દિવસોમાં બર્ન્સના સરેરાશ 11થી 12 કેસ નોંધાતા હોય છે, જ્યારે દિવાળીના દિવસે આ આંકડો વધીને 77 સુધી પહોંચવાનો અંદાજ છે. એટલે કે ફટાકડાથી દાઝવાના કિસ્સાઓને ધ્યાનમાં રાખીને પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત 112 ઈમરજન્સી સેવામાં પણ કોલ વધવાની શક્યતા છે. સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ 3,610 કોલ સામે દિવાળીના દિવસે અંદાજે 6,277 કોલ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે. નૂતન વર્ષ અને ભાઈબીજના દિવસે પણ ઈમરજન્સી કોલમાં વધારો થવાનું અનુમાન છે. આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા 108 અને 112ની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે.ઈમરજન્સી સમયે માત્ર એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોવી જ નહીં, પરંતુ દર્દી સુધી ઝડપથી પહોંચવું પણ એટલું જ મહત્વનું છે. આ માટે 108 ઈમરજન્સી સેવામાં EEMS સિસ્ટમ તરફ સ્વિચઓવર કરવામાં આવ્યું છે. જેના કારણે ઈમરજન્સી કોલ મળ્યા બાદ યોગ્ય એમ્બ્યુલન્સની પસંદગી અને લોકેશન સુધી પહોંચવાની પ્રક્રિયા વધુ ઝડપી બનવાની અપેક્ષા છે. હાલમાં 108ની મેડિકલ ટીમ સરેરાશ 12 મિનિટમાં દર્દી સુધી પહોંચે છે, જ્યારે શહેરોમાં આ સમય સરેરાશ 10 મિનિટનો છે. હવે નવી સિસ્ટમના ઉપયોગથી રિસ્પોન્સ ટાઈમ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવશે. દિવાળીના ત્રણેય દિવસ દરમિયાન 38 ICU ઓન વ્હીલ્સ સહિતની તમામ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમો સતત કાર્યરત રહેશે.
દિવાળીની રોશની વચ્ચે કોઈના જીવનમાં અંધકાર ન છવાય તે માટે 108ની ટીમ તહેવારના દિવસોમાં પણ સતત ફરજ પર રહેશે. ફટાકડા ફોડતી વખતે સાવચેતી રાખવી અને કોઈપણ ઈમરજન્સીમાં તાત્કાલિક 108 અથવા 112નો સંપર્ક કરવો જરૂરી છે. તહેવારની ખુશીઓ સુરક્ષિત રહે તે માટે હવે 108ની ટીમ સજ્જ







