Video: ક્વાંટના તૂરખેડામાં રોડ માટે મંજૂર કરેલા કરોડો પાણીમાં! તંત્રના પાપે 3 ફળિયા આજે પણ પાકા રસ્તા વિહોણા
છોટાઉદેપુર તાલુકાના ક્વાંટના તૂરખેડા ગામે રસ્તા ન હોવાના કારણે પ્રસુતાનું મોત નીપજ્યું હતું. જેથી
છોટાઉદેપુર તાલુકાના ક્વાંટના તૂરખેડા ગામે રસ્તા ન હોવાના કારણે પ્રસુતાનું મોત નીપજ્યું હતું. જેથી સરકારે હાઈકોર્ટના સુઓમોટો બાદ તાત્કાલિક 18 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં. રસ્તા બનાવવા માટે માર્ગ મકાન વિભાગ દ્વારા જાણે વેઠ ઉતારવામાં આવી હોય તે રીતે તૂરખેડાના 3 ફળિયા રસ્તા વિહોણો જોવા મળી રહ્યા છે. જેથી લોકો આજે પણ આઝાદી પહેલાનું જીવન જીવવા મજબૂર બન્યા છે.
બેદરકારી સામે આવી
GSTVની ટીમ તૂરખેડાની મુલાકાત લેતા સરકારનું ભોપાળું બહાર આવ્યું છે. કવાંટ તાલુકાના તૂરખેડા ગામે પંચાયત માર્ગ મકાન વિભાગના વાંકે ખૈડી, બુંદણી, માનુકલા આ ત્રણ ફળિયા રસ્તા મંજૂર નથી થયા. તૂરખેડા ગામે સાત ફળીયામાંથી ચાર ફળિયાનો રસ્તો મંજૂર થયો છે. જયારે સરકારે 18 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતાં. પરંતુ ત્રણ ફળિયાના રસ્તા બનાવવા માટે સરકારે મંજૂરી આપી નહોતી. જેથી જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના એક્જિક્યુટિવ ઈજેનર અને પંચાયત માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઈજેનરની બેદરકારી બહાર આવી છે.
લોકો લાભથી વંચિત
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ખૈડી, બુંદણી, માનુકલા આ વિસ્તારમાં પહોંચવા માટે પગદંડી રસ્તો છે. 600 જેટલા લોકો આ વિસ્તારમાં રહે છે. આ ત્રણ ફળિયાને રસ્તાથી વંચિત રાખવા માટે અધિકારીઓ સરકાર પાસે પૂરતી રકમ ન માંગી તૂરખેડા ગામે એક મહિલા પ્રસુતિમાં મોત થતા હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ કરાતા સરકાર જાગી ને રસ્તા મંજૂર કર્યા હતા. પરંતુ આખા ગામના વિસ્તારને જોડવામાં ન આવ્યા ત્યારે અધિકારીઓની અણઆવડત બહાર આવી છે. જયારે GSTV ની ટીમ સ્થળ ઉપર જઈને તપાસ કરતા સમગ્ર મામલામાં ગ્રામજનોના જણાવ્યા મુજબ અમારા આ ત્રણ ફળિયા નર્મદા નદીના કાંઠા ઉપર છે. ત્રણેય ફળિયાને રસ્તાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. આજે પણ 108 એમ્બ્યુલન્સ કે કોઈ વાહન પહોંચી શકે તેવી સ્થિતિ નથી.
વિકાસનો વરવો નમૂનો
ડુંગરની તળેટીઓ વચ્ચે રહેતા આ પરિવારો બીમાર પડે ત્યારે તેઓને ઝોળીમાં નાખીને લઇ જવાં પડે છે. જયારે આ વિસ્તારના ત્રણ ફળિયામાં પહોંચવા માટે આજે પણ પગપાળા ચાર કિલોમીટર ચાલવું પડે છે. ઢાળ અને ડુંગરવાળો પગદંડી રસ્તો તો પગ લપસે તો સીધો ખાઈમાં ખાબકે છે. સરકારે મનરેગા યોજનામાં રસ્તા બનાવવાની જોગવાઈ કરેલી છે. પરંતુ આ ગામમાં રહેતા પરિવારોને મનરેગા યોજનામાં પણ રસ્તા બનાવી આપવામાં આવ્યા નથી. આદિવાસી વિસ્તારના આ ફળિયાની નેતાઓ મુલાકાત લેતા નથી. આઝાદીના વર્ષો પછી પણ આ વિસ્તારો વિકાસથી વંચિત છે. તેનો આ વરવો નમૂનો છે.








