Video: ચૈતર વસાવા પાડલીયા ગામે પહોંચ્યા, 15 દિવસમાં આદિવાસી સમાજની ફરિયાદ દાખલ નહિ કરાય તો તંત્રને આપી આ ચિમકી
બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા પાડલિયા ગામે પોલીસ-ફોરેસ્ટ કર્મીઓ અને સ
બનાસકાંઠા જિલ્લાના અંબાજી નજીક આવેલા પાડલિયા ગામે પોલીસ-ફોરેસ્ટ કર્મીઓ અને સ્થાનિક આદિવાસી વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી સ્થાનિકોની રજૂઆત સાંભળવા માટે પહોંચ્યા છે અને 15 દિવસમાં આદિવાસી સમાજની એફઆઇઆર દાખલ કરવામાં નહીં આવે તો ડીએસપી કચેરી પહોંચીશું અને ગાંધીનગર સુધી લડત આપવાની ચિમકી ઉચ્ચારી છે.
ઉચ્ચ અધિકારીઓ પર પણ ગુનો દાખલ કરો: વસાવા
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ 13 ડિસેમ્બરના રોજ આદિવાસી સમાજ પર થયેલા અત્યાચાર અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અત્યાચાર થયો હોવા છતાં જવાબદાર તંત્રએ આદિવાસી સમાજ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. વસાવાએ માંગ કરી કે જો FIR દાખલ કરવી હોય તો લાઠીચાર્જ કરનાર પોલીસ અધિકારીઓ, આદેશ આપનાર ઉચ્ચ અધિકારીઓ અને સંબંધિત નેતાઓ પર પણ FIR થવી જોઈએ.
તેમણે સ્પષ્ટ કર્યું કે, માત્ર નાના વન કર્મચારીઓ કે બીટ ગાર્ડ પર નહીં, પરંતુ ફોરેસ્ટના ડીસીએફ, ડીવાયએસપી અને એસપી પર પણ પોલીસ ફરિયાદ દાખલ થવી જોઈએ, કારણ કે તેમના આદેશથી લાઠીચાર્જ થયો હતો. તેમણે પાડલીયાના પીડિત વિધવા બહેન, ગામના મુખી અને સરપંચને ખાતરી આપી કે તેઓ એકલા નથી. અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસીઓ તેમની સાથે છે.
ઉદ્યોગપતિઓ નેતા-અધિકારીઓ પર દબાણ લાવીને આદિવાસીઓને કરે છે હેરાન
વસાવાએ જણાવ્યું કે, આવનારા સમયમાં ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ જમીન આપશે નહીં. છેલ્લા 78 વર્ષથી આદિવાસી સમાજે વિવિધ પ્રોજેક્ટો માટે જમીન આપી છે. તેમણે આરોપ લગાવ્યો કે, બેડા અને પાડલીયા વિસ્તારમાં ઉદ્યોગપતિઓએ ખનીજ સંપત્તિ જોઈ છે, જેના કારણે તેઓ નેતાઓ અને અધિકારીઓ પર દબાણ લાવીને આદિવાસીઓને હેરાન કરી રહ્યા છે. તંત્રના દાવાને નકારી કાઢતા તેમણે કહ્યું કે, આદિવાસીઓએ હુમલો કર્યો, તીરકામઠા અને પથ્થર માર્યા તે ખોટું છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આજે હું આવ્યો છું, એક પણ આદિવાસીના હાથમાં હથિયાર નથી. આદિવાસી સમાજ સભ્યતાવાળો અને મહેનત-મજૂરી કરનારો સમાજ છે. વસાવાએ પાડલીયામાં નિવેદન આપ્યું કે, જ્યારે પણ આદિવાસી સમાજ માટે લડવાનું થશે, ત્યારે સરહદથી લઈને સદન સુધી લડવા તેઓ તૈયાર છે. 15 દિવસમાં આદિવાસી સમાજની એફઆઇઆર દાખલ નહીં કરવામાં આવે તો ડીએસપી કચેરી પહોંચીશું અને ગાંધીનગર સુધી લડત આપીશું.






