VIDEO: ગ્રીસના એથન્સમાં એર શો દરમિયાન મોટો અકસ્માત સર્જાયો, F-4 ફેન્ટમ ફાઈટર જેટ તૂટી પડ્યું
Big accident during air show in Athens, Greece, F-4 Phantom fighter jet crashes | ગ્રીસના એથન્સથી ઉત્તરમાં આવેલા તાનાગ્રા એર બેઝ પર શનિવારે 'એથન્સ ફ્લા

ગ્રીસના એથન્સથી ઉત્તરમાં આવેલા તાનાગ્રા એર બેઝ પર શનિવારે 'એથન્સ ફ્લાઇંગ વીક' એર શો દરમિયાન એક મોટો અકસ્માત સર્જાયો હતો. કરતબ બતાવી રહેલું બે સીટો ધરાવતું F-4 ફેન્ટમ ફાઈટર જેટ દર્શકોની નજર સામે જ કડાકાભેર તૂટી પડ્યું હતું. આ ભયાનક દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાઈલટના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં ફાઈટર જેટ નીચે તરફ ખાબકતું અને ત્યારબાદ આકાશમાં કાળા ધુમાડાના ગોટા ઊડતા સ્પષ્ટ જોઈ શકાય છે.
આ દુર્ઘટના એર શો જોવા આવેલા હજારો દર્શકોથી માત્ર થોડાક સો મીટરના અંતરે જ ઘટી હતી, જેના કારણે સમગ્ર એર બેઝ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એરફોર્સના અધિકારીઓએ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બંને પાઈલટના મૃતદેહ રિકવર કરી લીધા છે. વિમાન ક્રેશ થયા બાદ એર બેઝની આસપાસ અને નજીકના વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે શરૂઆતમાં બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
આગ પર કાબૂ મેળવવા માટે 85 અગ્નિશામકોની સાથે 11 પાણી છાંટતા વિમાનો અને હેલિકોપ્ટરોને કામે લગાડવામાં આવ્યા હતા. સુરક્ષાના કારણોસર લાઉડસ્પીકર દ્વારા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા માટે અપીલ કરવામાં આવી હતી. આ દુર્ઘટના બાદ આયોજકોએ વીકેન્ડ દરમિયાન યોજાનારા બાકીના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. 'એથન્સ ફ્લાઇંગ વીક' એ એક વાર્ષિક મિલિટરી અને સિવિલ એવિએશન શો છે, જેમાં વિવિધ દેશોની ટીમો ભાગ લે છે.





