મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવદ સિવિલની'મા વાત્સલ્ય મિલ્ક બેંક' નવજાત શિશુઓ માટે આશીર્વાદરૂપ બની, 451 નવજાત બાળકોને નવજીવન આપ્યું

મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડે

મે મહિનાના બીજા રવિવારે વિશ્વભરમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં મધર્સ ડે પર માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલની'મા વાત્સલ્ય મિલ્ક બેંક' નવજાત શિશુઓ માટે આશીર્વાદરૂપ બની છે. જેમાં 2042 માતાઓએ 434 લીટર ધાવણનું દાન કરીને 451 નવજાત બાળકોને નવજીવન આપ્યું છે. આજે વિશ્વભરમાં માતૃ દિવસની ઉજવણી લોકો કરી રહ્યા છે.

આ મિલ્ક બેન્કએ સંખ્યાબંધ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ 

મળતા અહેવાલ પ્રમાણે  આ મિલ્ક બેન્કએ સંખ્યાબંધ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તો બીજી તરફ સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. Rakesh Joshiએ તમામ માતાઓને સેલ્યુટ કરીને આ કાર્યને બિરદાવ્યું છે, માતાનું ધાવણ એ નવજાત માટે અમૃત સમાન હોય છે. આ મિલ્ક બેન્કમાં  મંજુલાબેન, કૃષ્ણાબેન, પુનિતાબેન અને પૂજા પટેલ સહિત અન્ય માતાઓએ પોતાના બાળક સાથે અન્ય બાળકો માટે પણ ધાવણનું દાન કરીને નવી મિસાલ લોકોમાં ઉભી કરી છે.

માતાના દૂધના જ કારણે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે

સિવિલમાં  સ્થાપિત મિલ્ક બેંક ખાસ કરીને એવા બાળકો માટે વરદાન છે કે જેમની માતા બીમાર હોય અથવા કોઈ કારણસર સ્તનપાન કરાવી શકતી ન હોય તેમના માટે મા વાત્સલ્ય મિલ્ક બેંક કાર્યરત છે. માતાના દૂધના કારણે જ નવજાત બાળકમાં રોગપ્રતિકારક શક્તિ તેમજ બાળકનો શારીરિક અને માનસિક વિકાસ થાય છે.

માતાનું ધાવણ બાળકની તંદુરસ્તી માટે અમૃત સમાન: ડૉ. રાકેશ જોષી

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ તમામ માતાઓને મધર્સ ડેની શુભેચ્છા પાઠવતા ભાવુક સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'એક બાળકોના સર્જન તરીકે હું માતૃત્વને ખૂબ નજીકથી જોઉં છું. નવ મહિનાની આકરી તપસ્યા બાદ જ્યારે માતા પોતાના બાળકને પહેલું ધાવણ આપે છે, ત્યારે તેની આંખોમાં હર્ષના આંસુ હોય છે. ‘મા તે મા, બીજા બધા વગડાના વા’ એ કહેવત હું મારી રોજબરોજની જિંદગીમાં સાર્થક થતી અનુભવું છું.'

મિલ્ક બેન્ક અંગે ડૉ. રાકેશ જોષીએ ઉમેર્યું કે, 'મધર્સ ડે ભલે વર્ષમાં એક વાર આવતો હોય, પરંતુ માતા તો 365 દિવસ પોતાના બાળક માટે તપસ્યા અને ભોગ આપતી હોય છે. આ મિલ્ક બેન્કના માધ્યમથી જે રીતે માતાઓએ દૂધ ડોનેટ કર્યું છે, તેનાથી 450થી વધુ નવજાત બાળકોનું જીવન બદલાયું છે.'

જરૂરિયાતમંદ શિશુઓ માટે આશીર્વાદ

સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ કે ગંભીર સ્થિતિમાં રહેલા બાળકો માટે જ્યારે માતાનું ધાવણ ઉપલબ્ધ નથી હોતું, ત્યારે આ મિલ્ક બેન્ક તેમના પોષણનો મુખ્ય સ્ત્રોત બને છે. આ પહેલથી રાજ્યમાં શિશુ મૃત્યુદરમાં ઘટાડો લાવવા અને બાળકોને કુપોષણમુક્ત રાખવામાં મોટી મદદ મળી રહી છે.

આ સમાચાર શેર કરો