મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડમાં નકલી ચાંદીનું મોટું કૌભાંડ! જમ્મુ કોર્ટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીને રેકોર્ડ સાથે હાજર થવા ફરમાવ્યો આદેશ

જમ્મુ-કાશ્મીરમાં આવેલા વિશ્વ પ્રસિદ્

તસવીર: gstv

જમ્મુ-કાશ્મીરમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા ચાંદીના ચઢાવામાં અંદાજે 550 કરોડ રૂપિયાથી વધુના નકલી ચાંદી અને મિલાવટના મામલે જમ્મુ કોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. જમ્મુના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) મુનીશ કુમાર મન્હાસની અદાલતે ક્રાઈમ બ્રાન્ચના તપાસ અધિકારીને કેસના તમામ જરૂરી દસ્તાવેજો અને રેકોર્ડ સાથે આગામી સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ કર્યો છે. આ હાઈપ્રોફાઈલ મામલાની આગામી સુનાવણી 29 જુલાઈ 2026ના રોજ હાથ ધરવામાં આવશે.

શું છે કરોડો રૂપિયાનું નકલી ચાંદી કૌભાંડ?

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે શ્રાઈન બોર્ડમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલી આશરે 20 ટન જેટલી જમા ચાંદીને શુદ્ધતાની તપાસ, ઓગળવા અને પ્રોસેસિંગ માટે મોકલવામાં આવી હતી. લેબ ટેસ્ટિંગના અહેવાલોમાં ચોંકાવનારો ખુલાસો થયો કે આ આખા જથ્થામાંથી માત્ર 5 થી 6 ટકા ચાંદી જ અસલી હતી. બાકીની અંદાજે 94 ટકા ચાંદી નકલી અથવા અત્યંત હલકી ગુણવત્તાની માલૂમ પડી હતી. જેમાં કેડમિયમ, લોખંડ અને અન્ય સસ્તા ધાતુઓની મોટા પાયે મિલાવટ કરવામાં આવી હતી. આ નકલી ચાંદીનું અંદાજિત મૂલ્ય 550 કરોડ રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું છે.

વકીલ દીપક શર્માની કોર્ટમાં અરજી અને ગંભીર આક્ષેપો

વરિષ્ઠ વકીલ દીપક શર્માએ આ મામલે સૌપ્રથમ 9 મે 2026ના રોજ આઈજીપી (ક્રાઈમ બ્રાન્ચ, જમ્મુ) અને એસએસપી (આર્થિક ગુના શાખા) સમક્ષ વિગતવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, સરકારી રેકોર્ડમાં હેરફેર અને કેડમિયમ યુક્ત સામગ્રીના ગેરકાયદેસર ઉપયોગ જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોઈ નક્કર એફઆઈઆર (FIR) ન નોંધાતા, અરજદારે આખરે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતનો દરવાજો ખખડાવ્યો હતો.

જવાબદારીમાંથી બચી શકે નહીં ક્રાઈમ બ્રાન્ચ

કોર્ટના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચે એક સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો, જેમાં જણાવાયું હતું કે ફરિયાદને વહીવટી મંજૂરી માટે શ્રીનગર હેડક્વાર્ટર મોકલવામાં આવી છે. આ રિપોર્ટ સામે વાંધો ઉઠાવતા વકીલ દીપક શર્માએ દલીલ કરી હતી કે ફરિયાદને માત્ર કાગળ પર આગળ ધપાવવી એ કાયદાકીય કાર્યવાહી નથી. ક્રાઈમ બ્રાન્ચ (ઇકોનોમિક ઓફેન્સ વિંગ) પોતે એક નોટિફાઇડ પોલીસ સ્ટેશન છે. જેના એસપી (SP) સ્ટેશન હાઉસ ઓફિસર (SHO) તરીકે કામ કરે છે. તેથી, ‘ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023’ (BNSS) મુજબ ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક એફઆઈઆર નોંધીને તપાસ કરવી કાયદાકીય રીતે ફરજિયાત છે અને તેઓ આ મામલો અન્ય પોલીસ વિભાગ પર ઢોળીને પોતાની જવાબદારીમાંથી બચી શકે નહીં.

મહત્વના પુરાવાઓ ગાયબ થવાનો ભય

કોર્ટમાં રજૂ કરાયેલી વાંધા અરજીમાં જણાવાયું છે કે ક્રાઈમ બ્રાન્ચના રિપોર્ટમાં મહત્વના પુરાવા સુરક્ષિત રાખવા માટેના કોઈ જ પગલાંનો ઉલ્લેખ નથી. આ કૌભાંડમાં ઇન્વેન્ટરી રજિસ્ટર, સ્ટોક રેકોર્ડ, સીસીટીવી ફૂટેજ, ટ્રાન્સપોર્ટેશન દસ્તાવેજો, શુદ્ધતા તપાસ રિપોર્ટ, ટંકશાળ સાથે થયેલો પત્રવ્યવહાર અને ચાંદીને ઓગળવા સંબંધિત તમામ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ જપ્ત કરવા અત્યંત જરૂરી છે.

સપ્લાય ચેન અને અધિકારીઓની તપાસની માંગઆ ફરિયાદમાં કોર્ટ સમક્ષ મુખ્યત્વે એ તપાસ કરવાની માંગ કરાઈ છે કે શું ઝવેરીઓ અને વેપારીઓએ ભક્તોને જ નકલી ચાંદી વેચી હતી, અથવા તો મંદિરની અંદર સ્ટોરેજ, વજન, પરિવહન કે ઓગળવાની પ્રક્રિયા દરમિયાન અસલી ચાંદીની ચોરી કરીને તેને નકલી ધાતુ સાથે બદલી નાખવામાં આવી હતી? આ સમગ્ર કૌભાંડમાં કેડમિયમ યુક્ત સામગ્રી ક્યાંથી આવી, તેના ઉત્પાદન, ખરીદી અને સપ્લાય ચેનની સાથે સાથે શ્રાઈન બોર્ડના કસ્ટોડિયન, જવાબદાર અધિકારીઓ, ટ્રાન્સપોર્ટર્સ અને સપ્લાયર્સની ભૂમિકા નક્કી કરી કડક કાનૂની પગલાં ભરવાની માંગ કોર્ટે સ્વીકારી તપાસ તેજ કરી છે.

આ સમાચાર શેર કરો