પંજાબમાં 37 વર્ષ બાદ વિનાશક પૂરથી 30નાં મોત, બે લાખથી વધુ લોકોને અસર
ઉત્તર ભારત છેલ્લા કેટલાક સપ્તાહથી આભ ફાટવા અને પૂરના વિનાશનો સામનો
ઉત્તર ભારત છેલ્લા કેટલાક સપ્તાહથી આભ ફાટવા અને પૂરના વિનાશનો સામનો કરી રહ્યું છે. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં આભ ફાટવા તથા મુશળધાર વરસાદના કારણે મોટાભાગની નદીઓએ જોખમી સ્તર વટાવતા પંજાબના મેદાની વિસ્તારોમાં ભારે પૂર આવ્યું છે. પંજાબમાં 37 વર્ષ બાદ આવેલા વિનાશક પૂરથી પઠાણકોટ, ફિરોઝપુર સહિત 12 જિલ્લામાં ભયાવહ સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કૂલ 30નાં મોત નીપજ્યાં છે અને બે લાખથી વધુ લોકોને અસર થઇ છે. આગામી સમયમાં ઉત્તર ભારતને હજુ મુશળધાર વરસાદમાંથી કોઇ રાહત મળવાની નથી.
પંજાબની મુખ્ય નદીઓમાં પૂર
પંજાબના 23માંથી 12 જિલ્લા પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. પૂરને કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયાના અહેવાલ છે. આનાથી લગભગ 15 લાખ લોકો પ્રભાવિત થયા છે અને અત્યાર સુધીમાં લગભગ 3 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પૂરના કારણે પંજાબમાં ખેતીને પણ અસર થઈ છે. લગભગ 3 લાખ એકર ખેતીલાયક જમીનને અસર થઈ છે, જેના કારણે ડાંગર, કપાસ અને મકાઈના પાક સંપૂર્ણપણે નાશ પામ્યા છે.
રેકોર્ડબ્રેક વરસાદ
હવામાન વિભાગે પંજાબમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આનો અર્થ એ છે કે, ભારે વરસાદની શક્યતા છે. તેથી જ આ પૂરની પરિસ્થિતિમાંથી ટૂંક સમયમાં રાહત મળવાની આશા ઓછી છે.પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.
છેલ્લાં 6 વર્ષમાં ત્રીજીવાર પૂર
છેલ્લા 6 વર્ષમાં પંજાબ ત્રીજી વખત પૂરની ઝપેટમાં આવ્યું છે. આ પહેલા પંજાબમાં 2023 અને 2019 માં પણ પૂર આવ્યું હતું. 2023ના પૂરમાં પંજાબના 1500થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા હતા અને લગભગ 2 લાખ 21 હજાર હેક્ટર જમીન પર ઊભા પાકનો નાશ થયો હતો. આ સિવાય, 2019 માં આવેલા પૂરમાં, 300થી વધુ ગામડાઓ પૂરથી પ્રભાવિત થયા હતા અને હજારો હેક્ટર જમીન પરનો પાક નાશ પામ્યો હતો.
પૂરનો સામનો કરવા માટે તૈયારીનો અભાવ
દર વર્ષે ફેબ્રુઆરીમાં, પૂરની પરિસ્થિતિનો સામનો કરવા માટે પંજાબમાં એક બેઠક યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે, આ બેઠક ફેબ્રુઆરીમાં નહીં પરંતુ જૂનમાં યોજાઈ હતી. ફેબ્રુઆરીમાં, આમ આદમી પાર્ટી (AAP) નું સંપૂર્ણ ધ્યાન દિલ્હીની ચૂંટણીઓ પર હતું અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની પાર્ટીની જીત માટે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા.
ભાખરા-નાંગલ ડેમનું સંચાલન
ત્યાર બાદ, મે મહિનામાં પંજાબ સરકાર એ બાબતમાં ફસાઈ ગઈ કે ભાખરા નાંગલ ડેમનું પાણી હરિયાણા અને રાજસ્થાનને આપવું જોઈએ કે નહીં, અને જો આપવામાં આવે તો તે કેટલી માત્રામાં આપવું જોઈએ. આ અંગે પણ ઘણો હોબાળો થયો કારણ કે ભાખરા નાંગલ ડેમમાં વધુ પાણીનો સંગ્રહ થઈ રહ્યો હતો. આ મુદ્દે, ભગવંત માન સરકાર ભાખરા નાંગલ મેનેજમેન્ટ બોર્ડ અને હરિયાણા સરકાર સાથે વાટાઘાટોમાં ફસાઈ ગઈ હતી, તેથી જ પૂરનો સામનો કરવા માટે તૈયારી કરવાની કોઈ તક મળી ન હતી અને જ્યારે ચોમાસામાં પર્વતોમાંથી વધુ પાણી આવતું હતું, ત્યારે રણજીત સાગર, પોંગ અને ભાખરા નાંગલ ડેમમાંથી વધુ પાણી છોડવાની ફરજ પડી હતી. આ ડેમ પર પાણીનું સ્તર ખતરનાક સ્તરે પહોંચી ગયું હતું. અને એવું માનવામાં આવે છે કે પંજાબમાં પૂરનું આ પણ એક કારણ છે.








