રશિયા-યુક્રેન યુદ્ધ અંગે અમેરિકા સાથે ડીલની તૈયારીઓ વચ્ચે પડદાં પાછળ મોટો ખેલ કરી રહ્યા છે ઝેલેન્સ્કી!
ચાર વર્ષના રશિયા-યુક્રેન યુદ્ધન

ચાર વર્ષના રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકા સાથેની 'શાંતિ યોજના'ને આખરી ઓપ આપવાના સંકેત આપ્યા છે. આ સમજૂતીનો ડ્રાફ્ટ ટૂંક સમયમાં અમેરિકન દૂત રશિયન રાષ્ટ્રપતિ કાર્યાલયને સોંપશે અને આવતા વીકેન્ડમાં અમેરિકામાં આગળની બેઠક યોજાઈ શકે છે.
શાંતિ યોજના: શું છે ઝેલેન્સ્કીની વ્યૂહરચના?
ઝેલેન્સ્કીએ અમેરિકા સાથેની શાંતિ યોજનાના ડ્રાફ્ટને 'વ્યવહારુ' ગણાવી સ્વીકારવાના સંકેત આપ્યા છે. જોકે, રશિયાના કબજા હેઠળના વિસ્તારોનો મુદ્દો હજુ વણઉકેલ્યો છે. હવે આખી દુનિયાની નજર પુતિન પર છે, જેઓ યુક્રેનને મળનારી પશ્ચિમી સુરક્ષા ગેરંટી સામે વાંધો ઉઠાવી શકે છે. નાટોના જણાવ્યા મુજબ, આ સુરક્ષા પ્રસ્તાવ યુક્રેનિયન સેનાને સતત મજબૂત રાખવા પર કેન્દ્રિત હશે.
યુક્રેનની ગુપ્ત હથિયાર ફેક્ટરી અને 'ફ્લેમિંગો' મિસાઈલ
યુક્રેને શાંતિ યોજનાની સાથે સાથે પોતાની સુરક્ષા માટે આત્મનિર્ભર બનવાની દિશામાં મજબૂત કદમ ઉઠાવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, યુક્રેન અત્યારે ગુપ્ત સ્થળોએ હથિયારોની ફેક્ટરીઓ ચલાવી રહ્યું છે, જ્યાં અત્યાધુનિક 'ફ્લેમિંગો' નામની સ્વદેશી ક્રૂઝ મિસાઈલ વિકસાવવામાં આવી રહી છે. આ મિસાઈલની પ્રહાર ક્ષમતા આશરે 3000 કિલોમીટર છે, જેની તુલના અમેરિકાની શક્તિશાળી ટૉમાહૉક મિસાઈલ સાથે કરવામાં આવે છે. આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત એ છે કે તે રશિયાના ઊંડાણવાળા વિસ્તારોમાં સચોટ હુમલો કરવામાં સક્ષમ છે. નોંધનીય છે કે, અગાઉ અમેરિકાએ જ્યારે લાંબા અંતરની મિસાઈલો આપવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે તેના જવાબરૂપે યુક્રેને પોતાની આ સ્વદેશી ટેકનોલોજી વિકસાવીને પોતાની સૈન્ય તાકાતનો પરચો આપ્યો છે.
આત્મનિર્ભર યુક્રેન: 50% હથિયારો હવે સ્વદેશી
યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીના જણાવ્યા અનુસાર, યુક્રેન હવે પોતાની જરૂરિયાતના 50%થી વધુ હથિયારોનું ઉત્પાદન પોતે જ કરે છે. સોવિયેત સમયના જૂના હથિયારોને બદલે યુક્રેન હવે ડ્રોન, રોબોટિક સિસ્ટમ અને લાંબા અંતરની મિસાઈલોમાં મોખરે છે. રશિયાની યુદ્ધ અર્થવ્યવસ્થાને નિશાન બનાવીને કરવામાં આવેલા લાંબા અંતરના હુમલાઓને કારણે મોસ્કોને આ વર્ષે 21 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે.






