'અમે સારા લોકો છીએ એટલે અંતિમ સંસ્કાર માટે એક અઠવાડિયાની છૂટ આપી', ટ્રમ્પનો ઈરાન પર આકરો કટાક્ષ

Donald Trump Mount Rushmore Speech Iran 2026: અમેરિકા અને ઇઝરાયેલના સંયુક્ત હવાઈ હુમલામાં માર્યા ગયેલા ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા અયતોલ્લાહ અલી ખામીનેઈની એક સપ્તાહ લાંબી રાજકીય અંતિમ વિદાય પ્રક્રિયા તેહરાનમાં શરૂ થઈ ગઈ છે. સમગ્ર ઈરાનમાં અત્યારે શોકનો માહોલ છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર આકરો કટાક્ષ કરીને નવો વિવાદ છેડ્યો છે. અમેરિકાના સ્વતંત્રતા દિવસ (4 જુલાઈ) ની ઉજવણી પૂર્વે માઉન્ટ રશમોર ખાતે એક વિશાળ સભાને સંબોધિત કરતા ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકા એક "સારો" દેશ છે, તેથી જ તેણે ઈરાનને આ અંતિમ સંસ્કાર માટે એક અઠવાડિયાની મંજૂરી આપી છે.
28 ફેબ્રુઆરીના હુમલામાં થયું હતું ખામીનેઈનું મોત
ઉલ્લેખનીય છે કે, 28 ફેબ્રુઆરી 2026 ના રોજ અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે ઈરાન વિરુદ્ધ શરૂ થયેલા યુદ્ધના પ્રથમ દિવસે જ એક ભયાનક હવાઈ હુમલામાં ખામીનેઈ માર્યા ગયા હતા. આ હુમલામાં તેમના પરિવારના અનેક સભ્યો, જેમાં તેમની પુત્રી, જમાઈ, પુત્રવધૂ અને નવજાત પૌત્રી પણ સામેલ હતા, તેઓના મોત નીપજ્યા હતા. દાયકાઓ સુધી ઈરાન પર શાસન કરનારા સર્વોચ્ચ નેતાના અવસાન બાદ હવે ઈરાન તેમને અંતિમ વિદાય આપી રહ્યું છે ત્યારે ટ્રમ્પના નિવેદને વૈશ્વિક સ્તરે ચર્ચા જગાવી છે.
ઈરાન કરાર કરવા માટે હવાતીયા મારી રહ્યું છે
માઉન્ટ રશમોર ખાતે એકત્રિત થયેલા નાગરિકો સામે પોતાની સૈન્ય કાર્યવાહીનો બચાવ કરતા રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "અમે ઈરાનને ખૂબ જ ખરાબ રીતે તોડી પાડ્યું છે. હવે તેઓ કોઈપણ ભોગે કરાર કરવા માટે આતુર છે, તેઓ ગમે તેમ કરીને સુલેહ કરવા ઈચ્છે છે. અમે તેમને અંતિમ સંસ્કાર માટે એક અઠવાડિયાની છૂટ આપી કારણ કે અમે સારા લોકો છીએ." ટ્રમ્પની આ ટિપ્પણી બાદ સભામાં હાજર અમેરિકી નાગરિકોએ જોરદાર તાળીઓ પાડીને ટ્રમ્પને વધાવી લીધા હતા. ટ્રમ્પના આ કડક વલણથી સ્પષ્ટ થાય છે કે જૂન મહિનામાં થયેલા પ્રાથમિક કરારો છતાં અમેરિકા હજી પણ ઈરાન પ્રત્યે પોતાની કડક નીતિઓ ચાલુ રાખવાના મૂડમાં છે.

