ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ગેમ પ્લાન: G7માં રશિયા-યુક્રેન મુદ્દો ફરી ટોપ એજન્ડા પર, ભારતની ઊર્જા સુરક્ષા પર સંકટ?

ફ્રાન્સના એવિયન-લેસ-બૅન્સમાં ચાલી રહેલા G7 શિખર સંમેલનમાંથી ભારત માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ખાડી દેશોમાં ઈરાન યુદ્ધના કારણે યુક્રેનનો મુદ્દો વૈશ્વિક મંચ પર થોડો પાછળ ધકેલાઈ ગયો હતો, પરંતુ હવે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય G7 નેતાઓએ રશિયા-યુક્રેન યુદ્ધને ફરીથી પોતાના એજન્ડામાં ટોચ પર રાખ્યું છે. અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ગ્લોબલ ઓઇલ માર્કેટને સ્થિર રાખવા માટે રશિયન ઓઇલ પર આપવામાં આવેલી છૂટછાટ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ શકે છે, જેના કારણે ભારતની ઊર્જા સુરક્ષા અને સસ્તા ક્રૂડ ઓઇલની આયાત પર સીધી અસર પડશે.
ટ્રમ્પનો 'ગેમ પ્લાન': ઓઇલની કિંમતો અને કૂટનીતિનું સંતુલન
જ્યારે વૈશ્વિક ઓઇલ સપ્લાય ખતરામાં હતી, ત્યારે અમેરિકા અને દુનિયામાં મોંઘવારી ન વધે તે માટે રશિયાને ઓઇલ વેચવાની છૂટ આપવામાં આવી હતી. હવે જ્યારે ઈરાન સાથેનો તણાવ ઓછો થઈ રહ્યો છે, ત્યારે તેઓ રશિયા પર ફરીથી કડક આર્થિક દબાણ લાવવા માટે તૈયાર છે. ટ્રમ્પે એવિયનમાં પત્રકારોને જણાવ્યું હતું કે ખાડીમાં આશરે 3.5 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના કરાર બાદ હવે ઈરાનનો મુદ્દો પાછળ રહી જશે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી ઓઇલની અવરજવર ફરીથી સુચારૂ થતાં જ પ્રતિબંધો ફરી લાગુ કરવાનો સમય આવી ગયો છે. આ સાથે જ G7 દેશો વચ્ચે રશિયાની ઊર્જા કમાણી રોકવા માટે દબાણ વધારવા પર સહમતિ બની છે. બ્રિટનના પીએમ કીર સ્ટાર્મર અને કેનેડાના પીએમ માર્ક કાર્નીએ રશિયાના 'શેડો ફ્લીટ' (ગુપ્ત ઓઇલ ટેન્કરો) પર નવા પ્રતિબંધોની જાહેરાત પણ કરી દીધી છે.
ભારતનું ટેન્શન કેમ વધ્યું? 17 જૂનની ડેડલાઇન
ભારત દુનિયાના સૌથી મોટા ઓઇલ આયાતકારોમાંનું એક છે અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાહત દરે રશિયન ઓઇલનો મુખ્ય ખરીદદાર રહ્યો છે. 28 ફેબ્રુઆરી, 2026ના રોજ ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ભારે ઉછાળાને જોતા, અમેરિકાએ વૈશ્વિક ઓઇલ માર્કેટને સ્થિર કરવા માટે ભારત સહિત કેટલાક દેશોને રશિયન ઓઇલની ખરીદી પર અસ્થાયી છૂટ આપી હતી.
આ 1 મહિનાની છૂટછાટને બે વાર લંબાવવામાં આવી છે અને આજે આ ડેડલાઇન સમાપ્ત થઈ રહી છે. જો અમેરિકા તેને આગળ નહીં વધારે, તો ભારતીય રિફાઇનરીઓ માટે રશિયાથી સસ્તું ઓઇલ મંગાવવું અને તેની ચૂકવણી કરવી એ ભારે કૂટનીતિક અને નાણાકીય જોખમનું કામ બની જશે. G7 સંમેલનમાં આમંત્રિત પીએમ મોદીએ પણ પશ્ચિમ એશિયાના સંઘર્ષ દરમિયાન હોર્મુઝના રસ્તે થતા વેપારમાં આવેલા અવરોધો અને વૈશ્વિક અર્થતંત્ર પર તેની અસરનો મુદ્દો પ્રમુખતાથી ઉઠાવ્યો છે.
યુક્રેન અને G7નું નવું વલણ
યુક્રેન પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી પણ G7 બેઠકમાં હાજર રહ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે રશિયા શાંતિ માટે ગંભીર નથી અને તેને વાતચીત માટે મજબૂર કરવાનો એકમાત્ર રસ્તો કડક આર્થિક પ્રતિબંધો છે. ઝેલેન્સ્કીએ રશિયન બેલિસ્ટિક મિસાઇલ હુમલાઓથી યુક્રેનના પાવર ગ્રીડ અને શહેરોને બચાવવા માટે G7 નેતાઓ પાસે વધુ પેટ્રિઅટ મિસાઇલોની માંગ કરી છે, જેને સહયોગી દેશોએ સમર્થન આપ્યું છે. એક તરફ ભારતને પોતાની વધતી અર્થવ્યવસ્થાની ઊર્જા જરૂરિયાતો પુરી કરવા માટે સસ્તા ઓઇલની જરૂર છે, તો બીજી તરફ અમેરિકાના કડક વલણ વચ્ચે સંતુલન સાધવું હવે ભારત માટે મોટો પડકાર રહેશે.
રશિયાથી ભારતની ક્રૂડ ઓઇલની આયાત મે મહિનામાં વધીને 6.7 બિલિયન ડોલર થઈ
યુરોપીયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ 'સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર' (CREA)ના અહેવાલ મુજબ, ભારત મે 2026માં રશિયન અશ્મિભૂત ઇંધણ (Fossil Fuel)નો દુનિયાનો બીજો સૌથી મોટો ખરીદદાર રહ્યો છે. ભારતીય રિફાઇનરીઓ દ્વારા ખરીદી વધારવાના કારણે રશિયાથી કુલ ક્રૂડ ઓઇલ અને અન્ય ઇંધણની આયાત વધીને અંદાજે 5.8 બિલિયન યુરો (આશરે 6.7 બિલિયન ડોલર) પર પહોંચી ગઈ છે.
અહેવાલ અનુસાર, મે મહિનામાં રશિયાથી ભારતના કુલ આયાતમાં ક્રૂડ ઓઇલનો હિસ્સો લગભગ 83% રહ્યો હતો, જેનું મૂલ્ય 4.8 બિલિયન યુરો હતું. આ સિવાય ઓઇલ પ્રોડક્ટ્સ અને કોલસાની આયાત અનુક્રમે 550 મિલિયન યુરો અને 429 મિલિયન યુરો રહી હતી. CREAએ જણાવ્યું કે મે મહિનામાં ભારતના કુલ ક્રૂડ ઓઇલની આયાતમાં માસિક ધોરણે 8%નો વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ રશિયાથી આયાતમાં થયેલો 21%નો વધારો છે.

