"યુદ્ધ જલ્દી ખતમ થશે અને તેલના ભાવ ઘટશે": હોર્મુઝ તણાવ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો સનસનીખેજ દાવો!

ભારતમાં યોજાયેલા BRICS શિખર સંમેલન (BRICS Summit) દરમિયાન મિડલ ઈસ્ટ અને ગલ્ફ ક્ષેત્રના તણાવને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. નવી દિલ્હીમાં ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમ સાથેની મુલાકાત દરમિયાન અમેરિકાને સ્પષ્ટ સલાહ આપતા કહ્યું કે, મિડલ ઈસ્ટને કોઈ 'રિજનલ પોલીસમેન' ની જરૂર નથી. બીજી તરફ, ડબલિનમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માંથી જહાજોની અવરજવર, ઈરાન અને તેલ પુરવઠા અંગે દાવો કર્યો છે કે, સ્થિતિ જલ્દી થાળે પડી જશે અને યુદ્ધ ખૂબ જલ્દી પૂરું થશે.
ઈરાની રાષ્ટ્રપ્રમુખ પેઝેશ્કિયાનનું કડક નિવેદન
ઈરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશ્કિયાને શનિવારે નવી દિલ્હીમાં જણાવ્યું કે, આ ક્ષેત્રની સુરક્ષા અને તેની સીમાઓનું રક્ષણ અહીંના સ્થાનિક દેશો અને મુખ્ય પક્ષકારો દ્વારા જ સુનિશ્ચિત થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારને અમેરિકા જેવા કોઈ બાહ્ય 'રિજનલ પોલીસમેન' ની જરૂર નથી. પેઝેશ્કિયાને કહ્યું કે અમેરિકા અને તેના સહયોગીઓએ ઈરાની સરકારને નબળી પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે, અને આ સ્થિતિએ ઈરાનના લોકોને વધુ એકજૂથ કરી દીધા છે. ઈરાન દ્વારા હોર્મુઝમાં કરાયેલી નાકાબંધીના કારણે કોમર્શિયલ જહાજો અને તેલના સપ્લાય પર વિપરીત અસર પડી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
આયરલેન્ડના રાષ્ટ્ર પ્રમુખ કૈથરીન કોનોલી સાથે મુલાકાત બાદ ડબલિનમાં પત્રકારો સાથે વાત કરતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટ અંગે કહ્યું કે બધું ઠીક થઈ જશે. તેમણે દાવો કર્યો કે, યુદ્ધ ખૂબ જલ્દી ખતમ થઈ જશે અને ત્યારબાદ તેલના ભાવ ઘટશે. સાઉદી અરેબિયાની એક પાઈપલાઈન પર થયેલા હુમલા અંગે ટ્રમ્પે આશંકા વ્યક્ત કરી હતી કે, તેની પાછળ ઈરાનનો હાથ હોઈ શકે છે.
સાઉદી અરેબિયા અને બાબ-અલ-મંદેબ પર દબાણ
હોર્મુઝ સંકટ વચ્ચે સાઉદી અરેબિયાએ ઈરાક તરફથી થયેલા ડ્રોન હુમલા બાદ શુક્રવારે પોતાની એક મુખ્ય પાઈપલાઈન બંધ કરી દીધી છે. સાથોસાથ, ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓએ યમનના રાતા સમુદ્ર (Red Sea) તટ પર પકડ મજબૂત કરીને બાબ-અલ-મંદેબ રૂટ પર પણ પોતાનું વર્ચસ્વ વધારવાનો દાવો કર્યો છે. હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ બંને મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગો પર વધતા તણાવને કારણે વૈશ્વિક તેલ પુરવઠા અને કોમર્શિયલ શિપિંગ અંગે ચિંતાઓ વધી ગઈ છે.

