Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વિશ્વ : War and extreme heat threaten gas-grain reserves in Europe, increasing inflation

યુદ્ધ અને આકરી ગરમીથી યુરોપમાં ગેસ-અનાજના ભંડારો સામે સંકટ, મોંઘવારી વધવાની દહેશત

Timeછેલ્લું અપડેટ : 11 Sept 2026
લાઇવ ટીવીGoogle News
યુદ્ધ અને આકરી ગરમીથી યુરોપમાં ગેસ-અનાજના ભંડારો સામે સંકટ, મોંઘવારી વધવાની દહેશત
સોર્સ : gstv

યુરોપ માટે વર્ષ 2026 અનેક મોરચે મુશ્કેલીઓ લઈને આવ્યું છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ લાંબું ખેંચાઈ રહ્યું છે, તો બીજી તરફ અમેરિકા-ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર વૈશ્વિક એનર્જી માર્કેટ (Energy Market) પર પડી રહી છે. આ સાથે યુરોપમાં આ વર્ષે પડેલી આકરી ગરમી, ઓછો વરસાદ અને સૂકાઈ રહેલી નદીઓએ ખેતી અને પાણીના સંકટને વધુ ગંભીર બનાવી દીધું છે. પરિણામે યુરોપમાં ગેસ અને અનાજના ભંડાર સામે પડકાર ઊભો થયો છે અને આગામી મહિનાઓમાં મોંઘવારી વધુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

App Store

રશિયન ગેસનો વિકલ્પ યુરોપને મોંઘો પડી રહ્યો છે

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે યુરોપિયન યુનિયન (EU) દ્વારા રશિયા પર આર્થિક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. તેના કારણે રશિયા પાસેથી થતી ગેસ સહિતની આયાતમાં મોટો ઘટાડો થયો. અગાઉ રશિયા પાઈપલાઈન મારફતે જર્મની સહિત યુરોપના દેશોમાં ગેસ પહોંચાડતું હોવાથી પરિવહન ખર્ચ પ્રમાણમાં ઓછો રહેતો હતો.

હવે રશિયન ગેસના વિકલ્પ તરીકે અમેરિકાથી લિક્વિફાઈડ નેચરલ ગેસ (LNG) સહિતનો ગેસ યુરોપ પહોંચાડવામાં આવી રહ્યો છે. જોકે, દરિયાઈ માર્ગે ગેસ પહોંચાડવાની પ્રક્રિયા વધુ ખર્ચાળ હોવાથી યુરોપને ઊંચા ભાવે ગેસ ખરીદવો પડી રહ્યો છે.

હોર્મુઝ સંકટે વધારી એનર્જી માર્કેટની ચિંતા

અમેરિકા-ઈરાન-ઈઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર પણ એનર્જી સપ્લાય પર પડી છે. હોર્મુઝની ખાડી (Strait of Hormuz) વૈશ્વિક ક્રૂડ ઓઈલ અને ગેસ વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. અહીં વેપાર અને પરિવહનમાં અવરોધ ઊભો થતાં જ ક્રૂડ અને ગેસના ભાવમાં ઉછાળો આવ્યો છે.

યુદ્ધના કારણે મિડલ ઈસ્ટમાં કેટલાક એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિફાઈનરીને પણ નુકસાન થયું હોવાના અહેવાલો છે. સુરક્ષાના કારણોસર કેટલીક કંપનીઓએ ઉત્પાદન અથવા નિકાસ ઘટાડતાં વૈશ્વિક બજારમાં સપ્લાય અંગે ચિંતા વધી છે.

બીજી તરફ, એશિયા અને યુરોપના દેશો વચ્ચે ગેસ ખરીદવાની સ્પર્ધા પણ વધી છે. ગેસનો જથ્થો ઓછો થવાની આશંકા વચ્ચે અનેક દેશો શિયાળા પહેલાં પોતાના રિઝર્વ (Reserve) ભંડાર ભરવા માટે વધુ ખરીદી કરી રહ્યા છે.

યુરોપના ગેસ સ્ટોકમાં 15થી 18 ટકાનો ઘટાડો

યુરોપમાં શિયાળાની શરૂઆત પહેલાં ગેસનો પૂરતો જથ્થો ભેગો કરવો અત્યંત જરૂરી હોય છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન ઠંડી વધતાં ઘરો, ઓફિસો અને ઉદ્યોગોમાં ગેસની માંગમાં મોટો વધારો થાય છે.

પરંતુ આ વર્ષે યુરોપના રિઝર્વ ગેસ સ્ટોકમાં 2020 પછી પ્રથમ વખત અંદાજે 15થી 18 ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું જણાવાય છે. તેના કારણે શિયાળા દરમિયાન ગેસની અછત અને ભાવવધારાની ચિંતા વધી છે.

અંદાજ મુજબ આગામી મહિનાઓમાં યુરોપમાં ગેસના ભાવમાં 40 ટકા સુધીનો વધારો થઈ શકે છે. જો યુદ્ધ લાંબું ચાલે તો વર્ષના અંત સુધીમાં આ વધારો 44 ટકા સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. એનર્જી સેક્ટરમાં છેલ્લા આઠ મહિનામાં જ આશરે 14 ટકાનો ભાવ વધારો નોંધાયો છે.

આકરી ગરમીએ ખેતીની કમર તોડી

ગેસ સંકટ વચ્ચે યુરોપ માટે બીજી મોટી સમસ્યા આકરી ગરમી છે. આ વર્ષે યુરોપના અનેક દેશોમાં તાપમાન નવા રેકોર્ડ સુધી પહોંચ્યું. ઓસ્ટ્રિયા, સ્લોવાકિયા, ફ્રાન્સ, જર્મની અને ઈટાલી સહિતના દેશોમાં અનેક સ્થળોએ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયું હતું.

ભારે ગરમી અને ઓછા વરસાદના કારણે અનેક નદીઓ અને જળાશયોમાં પાણીનું સ્તર ઘટી ગયું. પાણીની અછતને કારણે સિંચાઈ પર પણ અસર પડી. કેટલાક વિસ્તારોમાં આગની ઘટનાઓ વધી અને સ્થાનિક વહીવટીતંત્રને પાણીના વપરાશ પર નિયંત્રણો મૂકવાની ફરજ પડી.

આ પરિસ્થિતિને કારણે યુરોપમાં આગામી ઉનાળામાં પાણીની અછત વધુ ગંભીર બની શકે તેવી ચિંતા પણ વ્યક્ત થઈ રહી છે.

અનાજના ઉત્પાદનમાં 90 લાખ ટન સુધીની અસર

ગરમી અને પાણીની અછતની સીધી અસર ખેતી પર પડી છે. ખાસ કરીને ઘઉં, મકાઈ અને જુવાર જેવા પાકોને ભારે નુકસાન થયું છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન યુરોપના ઘણા વિસ્તારોમાં ખેતીનો મહત્વપૂર્ણ સમય હોય છે, પરંતુ આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું રહ્યું.

અહેવાલો અનુસાર યુરોપમાં અંદાજે 90 લાખ ટન અનાજનું ઉત્પાદન પ્રભાવિત થયું છે. યુરોપિયન સંઘ અને બ્રિટનનું સામાન્ય વાર્ષિક અનાજ ઉત્પાદન આશરે 28થી 29 કરોડ ટન રહે છે. આ વર્ષે તે ઘટીને આશરે 23 કરોડ ટન થઈ શકે છે.

ઉત્પાદનમાં ઘટાડો થતાં યુરોપને અનાજની વધુ આયાત કરવી પડશે. તેના કારણે યુરોપને વાર્ષિક આશરે બે અબજ પાઉન્ડનો આર્થિક ફટકો પડી શકે છે.

ઘઉં અને મકાઈના ભાવમાં વધારો

અનાજના ઉત્પાદન પર પડેલી અસરની અસર બજારમાં દેખાવા લાગી છે. યુરોપમાં ઘઉં અને મકાઈના ભાવમાં અત્યાર સુધીમાં આશરે 3.6 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. વર્ષના અંત સુધીમાં અનાજના ભાવમાં લગભગ 5 ટકાનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગેસ અને અનાજ બંને મોંઘા થતાં તેની સીધી અસર સામાન્ય લોકોના ઘરખર્ચ પર પડશે. એનર્જી ખર્ચ વધશે તો ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે અને તેની અસર અન્ય જીવનજરૂરી વસ્તુઓના ભાવ પર પડી શકે છે.

વર્ષના અંતે મોંઘવારી વધુ વધવાની આશંકા

યુદ્ધ, એનર્જી સપ્લાયમાં અડચણ અને ખેતીના ઉત્પાદન પર પડેલી અસરના કારણે યુરોપમાં મોંઘવારીનો દર આ વર્ષે સરેરાશ 3.3 ટકાની નવી ઊંચાઈએ પહોંચ્યો છે. કેટલાક દેશોમાં તો મોંઘવારીનો દર 5થી 6 ટકા સુધી પહોંચી ગયો છે.

જો અમેરિકા-ઈરાન-ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ સપ્ટેમ્બરના અંત અથવા ઓક્ટોબરની શરૂઆત સુધીમાં સમાપ્ત નહીં થાય, તો વર્ષના અંતે યુરોપમાં ગેસ અને અનાજ બંનેની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

ઓક્ટોબર બાદ શિયાળાની શરૂઆત થતાં ગેસની માંગ વધશે, જ્યારે અનાજના સ્થાનિક ઉત્પાદન પર પહેલેથી જ અસર થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં અનાજ અને કઠોળની આયાત વધારવી પડી શકે છે. પરિણામે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે.

આ રીતે યુદ્ધ અને હવામાનની બેવડી માર યુરોપની અર્થવ્યવસ્થા (Economy) પર ભારે પડી રહી છે. જો આગામી મહિનાઓમાં યુદ્ધની સ્થિતિમાં સુધારો નહીં થાય અને એનર્જી સપ્લાય સામાન્ય નહીં બને, તો વર્ષના અંત સુધીમાં યુરોપની સરેરાશ મોંઘવારી 4 ટકા સુધી પહોંચે તેવી શક્યતા નકારી શકાય નહીં.